Valsad: લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા દિવસે ને દિવસે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર અપાતા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી આ તરફ વળી રહ્યા છે.
Valsad વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં એક અલગ જ પ્રકારની પ્રાકૃતિક ખેતી થઈ રહી છે.
આ પ્રાકૃતિક ખેતી રૂટિન પ્રાકૃતિક ખેતી કરતા અલગ છે. જંગલ મોડલ આધારિત આ ખેતીમાં ઘટાદાર વૃક્ષોની વચ્ચે ખેતરમાં શાકભાજીથી માંડીને અનાજની ખેતી સંપૂર્ણ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના આધારે જ થાય છે. જંગલ મોડલ આધારિત આ ખેતી એ વલસાડ જિલ્લાના ખેડૂતોમાં આકર્ષણ જમાવ્યું છે. રાજ્યભરની વિવિધ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓથી માંડીને અન્ય લોકો આ જંગલ મોડલ ફાર્મની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં પણ જંગલ આધારિત પ્રાકૃતિક ખેતી વાયરલ થઈ રહી છે.
પ્રકૃતિને સાચવીને પરોપરકારની ભાવનાથી થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવિ પેઢીને બચાવવા માટે તેમજ જળ, જંગલ અને જમીનની રક્ષા કરવા માટે પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવતા રાજ્યમાં હજારો
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત કે દેશી ઢબથી જ થઈ શકે એવુ નથી,
પ્રાકૃતિક ખેતી ભિન્નતાથી પણ થઈ શકે છે એ વાત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામના ખેડૂત હસમુખભાઈ મોહનભાઈ ભંડારીએ સાકાર કરી બતાવી છે.
પોતાના ભૂતકાળને વાગોળી પછતાવાના ભાવ સાથે હસમુખભાઈ જણાવે છે કે, પહેલા હું પોતે જ એગ્રો સેન્ટર ચલાવતો હતો અને લોકોને રાસાયણિક ખાતર વેચતો હતો અને પોતે પણ રાસાયણિક ખેતી કરતો હતો. ઘરે બાપ દાદાના સમયથી ઢોર ઢાંખર હતા, તેમનું છાણ અને ગૌમૂત્ર ઉકરડામાં નાંખી દેતા હતા. તે સમયે રાસાયણિક ખેતીથી થતા નુકસાનથી અવગત ન હતા. વધુ પાક થશે તેના લોભમાં યુરિયા ખાતર નાંખતા હતા જેનો ખર્ચ વધુ થતો પરંતુ ઉપજ મળતી ન હતી અને ઉપરથી ઝેરયુક્ત પાક મળતો હતો.
ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામે ગામ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરવા માટે જાગૃત
કરવામાં આવી રહ્યા છે ત્યારે એક દિવસ હું પણ તાલીમમાં ગયો અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજવા મળ્યું, ત્યાર બાદ પ્રાકૃતિક ખેતીની વધુ માહિતી અને જાત અનુભવ મેળવવા માટે સ્વખર્ચે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાના વિવિધ જિલ્લાઓમાં થતી પ્રાકૃતિક ખેતીની મુલાકાત લીધી હતી.
મને ધરતી પર તંદુરસ્ત જીવનના અસ્તિત્વ માટે પ્રાકૃતિક ખેતીનું મહત્વ
ખૂબ નજીકથી સમજાતા મારૂ એગ્રો સેન્ટર પણ બંધ કરી દીધુ. રાસાયણિક ખાતરથી થતી ખેતીના ભયાવહ ગેરફાયદા જાણીને હું ચોંકી ઉઠ્યો હતો. ભવિષ્યની પેઢીની ચિંતા થઈ એટલે વર્ષ ૨૦૧૯ થી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
હર્ષના ભાવ સાથે ખેડૂત હસમુખભાઈ વધુમાં જણાવે છે કે, હાલમાં હું મારી પાંચ એકર જમીન પર સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરૂ છું. જેમાં વિવિધ જાતના ૨૨ ફળ પાક, ૨૪ પ્રકારના જંગલ ઝાડ અને ૨૭ પ્રકારની અલગ અલગ શાકભાજીની ખેતી કરી રહ્યો છું. પહેલા છાણ અને ગૌમૂત્ર ઉકરડામાં ફેંકી દેતા હતા પરંતુ હવે તેનું મહત્વ કાચુ સોનુ સમાન સમજાય છે. તેમાંથી ઘનજીવામૃત- જીવામૃત બનાવુ છું. આ સિવાય બીજામૃત, આચ્છાદાન અને વાફસા મળી કુલ પાંચ સિધ્ધાંતોને આધારે પ્રાકૃતિક ખેતી કરી રહ્યાનો ગર્વ અનુભવુ છું.
પ્રાકૃતિક ખેતીમાં જે પાક થાય છે તેની સુંગધ અને સ્વાદ અલગ જ હોય છે.
હવે હું સોશિયલ મીડિયા દ્વારા તેમજ આકાશવાણી ઉપર પણ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરી રહ્યો છું. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ફ્રીમાં જીવામૃતનું વિતરણ પણ કરૂ છું.
આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમની સાથે સાથે દેશી ગાય નિભાવવા માટે દર મહિને રૂ. ૯૦૦ અને મોડલ ફાર્મ માટે રૂ. ૧૮,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જેમાંથી ગૌ મૂત્ર ભેગુ કરવા માટે ડ્રમ, બિયારણ, આચ્છાદાનની કામગીરી, મજૂરી ખર્ચ અને બોર્ડ લગાવવાનો ખર્ચ કરવામાં આવે છે. જે બદલ હું ગુજરાત સરકારનો આભાર માનુ છું.