Valsad: નાયબ બાગાયત નિયામકની કચેરી વલસાડ દ્વારા સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે તારીખ ૧૧/૦૬/૨૦૨૪ ના રોજ કેરી પ્રદર્શન, કેરી હરીકાઈ અને કેરી પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં કેરીની ૮૧ જેટલી વિવિધ જાતો અને ૨૪ જેટલી કેરીની બનાવટોને પ્રદર્શિત કરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન અને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ હેઠળ આંબાની ઘનિષ્ટ ખેતી પદ્ધતિ, સંકલિત રોગ જિલાત નિયંત્રણ અને જૂનીવાડી નવીનીકરણનાં વિષયોને આવરી લઈ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ૧૧ થી ૧૩ જૂન, ૨૦૨૪ સુધી ચાલશે.
કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક, સુરત વિભાગે ઉપસ્થિત રહી ખેડૂતોને કુદરતી જલવાયુ પરિવર્તન સામે લેવાની થતી કાળજીઓથી સુપરિચિત કરાવ્યા હતા. પ્રાદેશિક સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવસીટીના ડૉ. ડી.કે.શર્મા અને તેમની ટીમ દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક માહિતી તેમજ ઉત્પાદન વેચાણ વ્યવસ્થા માટેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી અને નાયબ બાગાયત નિયામકની કચેરીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.