- જિલ્લામાં કુલ ૭૨૩ પોલીયો બુથો પર અંદાજીત ૧,૮૦,૭૫૦ બાળકોને પોલીયોનાં ટીપા પીવડાવાશે
- બાકી રહી ગયેલા બાળકોને બીજા અને ત્રીજા દિવસે ૧૧૪૬ ટીમ દ્વારા ટીપા પીવડાવવામાં આવશે
- વલસાડ જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જુન ૨૦૨૪ દરમ્યાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવશે. જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે.
Valsad: “ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે” ૨૩ જુન ૨૦૨૪ ની કામગીરી અન્વયે તા. ૨૦/૦૬/૨૦૨૪ નાં રોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને પોલિયો સ્ટીયરીંગ કમિટીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહિવટી તંત્રના તમામ વિભાગના અધિકારી, કર્મચારીઓ હાજર રહ્યા હતાં.
વલસાડ જિલ્લા આરોગ્ય શાખા, સિવિલ હોસ્પિટલ, કેમ્પસ ખાતેનાં રોજ આગામી ૨૩ જુન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને વર્કશોપ પણ યોજાયો હતો. જેમાં જિલ્લાનાં આરોગ્ય શાખાનાં અધિકારીઓ તથા પ્રા.આ.કેન્દ્રનાં મેડિકલ ઓફિસરોને પોલીયો દિવસ અંતર્ગત તાલીમ તથા કાર્યક્રમનાં દિવસોમાં કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત સમજ આપી માહિતગાર કરવામાં આવ્યાં હતા.
પોલીયોનાં આગળનાં દિવસો દરમ્યાન માઇક પ્રચાર, પોસ્ટરો, બેનરો, રેડિઓ જિંગલ, સોશિયલ મીડિયા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવશે. જેથી ૦ થી ૫ વર્ષનું એકપણ બાળક પોલીયોનાં બે અમુલ્ય ટીપા પીવાથી વંચિત રહી ન જાય. પોલીયો દિવસ અંગે જિલ્લામાં તમામ આયોજન પુર્ણ કરવામાં આવ્યુ છે. જિલ્લામાં કુલ ૭૨૩ પોલીયો બુથો પર અંદાજીત ૧,૮૦,૭૫૦ જેટલા બાળકોને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલીયોનાં ટીપા પીવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય કર્મચારી ૧૧૪૬ ટીમ દ્વારા બાકી રહી ગયેલા બાળકોને ટીપા પીવડાવવામાં આવશે.
જિલ્લામાં ટ્રાન્ઝીસ્ટ ટીમો દ્વારા બસ ડેપો, રેલ્વે સ્ટેશનો, હાટ બજારો જેવા જાહેર સ્થળોએ પણ પોલીયોનાં બે ટીપા પીવડાવવામાં આવશે. આગામી ૨૩ જૂન રવિવાર પોલીયો દિવસનાં રોજ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બુથ ઉપર જઈ પોતાના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.