Vibrant Gujarat 2024: 376 MOUથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મજબૂત સફળતા
Vibrant Gujarat 2024: વર્ષ 2024માં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને ફરી એકવાર વૈશ્વિક રોકાણનું ધબકારું બનાવી દીધું છે. આ સમિટના દસમા સંસ્કરણ દરમિયાન ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે વિશાળ પ્રમાણમાં રોકાણને પ્રોત્સાહન મળ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ફાર્મા ક્ષેત્રે માત્ર ઔદ્યોગિક નહિ પરંતુ રોજગારીના નવા દરવાજા પણ ખુલ્યાં છે.
376 MOUથી 30,000 કરોડનું મૂડીરોકાણ શક્ય
ફાર્મા સેક્ટરમાં કુલ 376 એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે જેનો અંદાજીત મૂલ્ય રૂ. 30,000 કરોડ જેટલો છે. એમાંથી અત્યાર સુધી 175 પ્રોજેક્ટ સફળતાપૂર્વક કાર્યરત બની ચૂક્યા છે જ્યારે 153 અન્ય પ્રોજેક્ટ અમલની કસોટી પર છે.
11,000 કરોડથી વધુનું મૂડીરોકાણ, 20 હજારથી વધુને રોજગારી
આ MOUના પરિણામે રાજ્યમાં રૂ. 11,114 કરોડથી વધુનું મૂડીરોકાણ થયું છે. સાથે જ લગભગ 20,141 નોકરીઓનું સર્જન થયું છે.
વિદેશી કંપનીઓનો પણ ઉમદા હિસ્સો
સ્પેનની સેનેડોર લેબોરેટરીઝે રૂ. 2,500 કરોડનું રોકાણ કરીને વિશ્વના અગ્રણી કોન્ટ્રાસેપ્ટીવ ઉત્પાદન કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે, જ્યાંથી 500 લોકોને રોજગારી મળી છે.
એમનીલ ફાર્માસ્યુટિકલ્સ (અમેરિકા) દ્વારા રૂ. 700 કરોડના ઇન્જેક્ટેબલ ડ્રગ પ્રોજેક્ટમાંથી પણ 500 લોકોને રોજગારી મળી છે.
જાપાન આધારિત સીસમેક્સ ઇન્ડિયા દ્વારા રૂ. 210 કરોડનું રોકાણ કરીને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે 70 લોકોને નોકરી આપી છે.
મેઈરલ ગ્રૂપે રૂ. 910 કરોડ અને સ્વાતિ સ્પેન્ટોસ પ્રા.લિ., વાપી દ્વારા રૂ. 500 કરોડના રોકાણથી દરેકે 300 લોકોને રોજગારી આપવી શક્ય બની છે.
ગુજરાતનો ફાર્માસ્યુટિકલ હબ તરીકે દબદબો
આજના સમયમાં ભારતના ફાર્મા ઉત્પાદનમાં ગુજરાતનો 33% હિસ્સો છે. ગુજરાતમાંથી દુનિયાના 200થી વધુ દેશોમાં દવાઓની નિકાસ થાય છે. ભારતમાં થયેલી કુલ દવા નિકાસમાં રાજ્યનો ભાગ 28% છે. હાલ રાજ્યમાં લગભગ 5,850 લાઇસન્સ ધરાવતી ઉત્પાદક એકમો છે, જેમાં એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથી, મેડિકલ ડિવાઇસ અને કોસ્મેટિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે.