છેલ્લા કેટલાય સમયથી વડગામ વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણી ખૂબ ચર્ચામાં છે, ત્યારે ગુજરાતની એક પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સીએ તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો છે કે ગત ચુંટણીમાં કોંગ્રેસ માત્ર 10 બેઠકોથી હારી હતી, અને હવે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત 19 તારીખે જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા એક ટ્વીટ મામલે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જેલમાંથી છૂટયા બાદ તેઓ ગુજરાત આવીને ભાજપ સામે ખૂબ આક્રમક રૂપમાં દેખાઈ રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ પણ તેમને આગળ રાખીને ભાજપના ચાબખા લઈ રહ્યું છે.
ગુજરાતના રાજકારણમાં ફાયર નેતા તરીકે પોતાની છાપ ઊભી કરનાર જીજ્ઞેશ મેવાણી 2015-16 માં દલિત અઘિકાર આંદોલનથી ખૂબ ચર્ચામાં રહ્યા હતાં, જે બાદ 2017 ની વિધાનસભાની ચુંટણીમાં તેઓ વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જીત્યા હતાં.
હવે આ વખતે ચોક્કસ રીતે જીજ્ઞેશ મેવાણી ચુંટણી પહેલાં જ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાશે, ત્યારે તેનું ભાજપા પ્રત્યે આકરું ફાયર વલણ ગુજરાત કોંગ્રેસને ફાયદો પહોંચાડવાનું કામ કરશે, અને એટલે જ ગુજરાત કોંગ્રેસ દ્વારા જીંગ્નેશ મેવાણીને અત્યારથી જ ખુલ્લા મને ભાજપનો પ્રતિકાર કરવા માટે મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાતમાં અત્યારે કોંગ્રેસના માળખાથી લઈને કાર્યકરો સુધી જે સ્થિતિ છે તેના કારણે ગુજરાતનો દલિત સમાજ કોંગ્રેસના અન્ય નેતાઓ કરતાં જીજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓ પર વધારે ભરોસો કરે છે, માત્ર પોતાની વડગામ બેઠકના વિસ્તારો જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ સતત ભ્રમણ કરીને જીજ્ઞેશ મેવાણી છેલ્લા પાંચ વર્ષોમાં સક્રિય રહ્યા છે, ઉપરાંત કોંગ્રેસમાં રહેલાં યુવા કાર્યકરો પણ જીજ્ઞેશ મેવાણીના લડાયક વલણને લઈને ઉત્સાહિત રહેતા હોય છે, અને એટલે જ જીજ્ઞેશ મેવાણીના આ પરિબળને કોંગ્રેસ ચુંટણી પહેલાં પૂરેપૂરો ઉપયોગ કરશે તે ચોક્કસ છે.