Weather Alert : ગુજરાતમાં તાપમાનનો કહેર, કચ્છમાં રેડ એલર્ટ જાહેર – 7 થી 10 એપ્રિલ વચ્ચે હવામાન રહેશે ક્રૂર!
Weather Alert : ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે હવામાન વિભાગે 7 થી 10 એપ્રિલ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કંડલામાં તાપમાન 45.6 ડિગ્રી સુધી પહોંચ્યું છે. રાજકોટ, મોરબી અને કચ્છમાં હિટવેવની ભીષણ ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં લોકો માટે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે; .
45.6 ડિગ્રી શેકાયું કંડલા
હવામાન વિભાગ મુજબ કંડલા એરપોર્ટ પાસે તાપમાન 45.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે હવે સુધીનું આ સિઝનનું સૌથી વધુ તાપમાન ગણાય છે. બીજી તરફ અમદાવાદમાં પારો 43 ડિગ્રીએ પહોંચી જતાં શહેરવાસીઓ તાપે તપાઈ રહ્યા છે.
કચ્છમાં રેડ, રાજકોટ-મોરબીમાં ઓરેન્જ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
હવામાન વિભાગે 7 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કર્યું છે.
7 એપ્રિલ: કચ્છમાં રેડ એલર્ટ, રાજકોટ-મોરબી-પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ છે.
8 એપ્રિલ: કચ્છમાં ઓરેન્જ એલર્ટ યથાવત, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ ચાલુ રહેશે.
9 એપ્રિલ: ફરીથી કચ્છ માટે રેડ એલર્ટ જાહેર, અને રાજકોટ સહિત અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ લાગુ.
10 એપ્રિલ: કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ યથાવત રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો ઈશારો
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જે તાપમાન સામાન્ય રીતે એપ્રિલના અંતે રહે છે, તે આ વખતે એપ્રિલની શરૂઆતમાં જ અનુભવાઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે:
મધ્ય ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી પાર થઈ શકે છે.
ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 43 ડિગ્રી નજીક રહી શકે છે.
13 એપ્રિલ બાદ વાતાવરણમાં સામાન્ય બદલાવ આવી શકે છે.
22 એપ્રિલ પછી ક્યાંક ક્યાંક પવન સાથે વરસાદી છાંટાં પડી શકે છે…
26 એપ્રિલ પછી ફરી એકવાર કડક ગરમી પાંખો ફેલાવશે..
તાત્કાલિક સાવચેતી જરૂરી
હવામાન વિભાગ અને તંત્રએ લોકોમાં અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દર્દીઓએ ખાસ કાળજી લેવી જરૂરી છે. પાણી પીવાનું પ્રમાણ વધારવું અને કામના સમય અને સ્થળ પસંદ કરવા જરૂરી બન્યું છે.