Weather Rain Forecast રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Weather Rain Forecast ગુજરાતમાં ચોમાસાએ આખા રાજ્યમાં પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુસંધાન પ્રમાણે, રાજ્યમાં 27 જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અનેક જિલ્લામાં એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા આજે દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને નવસારી જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, ભાવનગર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપાયું છે. રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદ
અમદાવાદમાં પણ આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે પણ વરસાદ પડવાની શક્યતા હોવાથી તંત્રએ પૂરતી તકેદારી રાખવા સૂચના આપી છે.
સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ
ગત સોમવારે દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરત શહેરમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધીમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
શહેરના અડાજણ, રાંદેર, પાલ, અઠવા અને પાર્લેપોઇન્ટ જેવા વિસ્તારો જળમગ્ન થયા હતા. શહેરના માર્ગો, સોસાયટીઓ અને માર્કેટોમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.
નેશનલ હાઈવેના સર્વિસ રોડ બંધ
સુરતના કામરેજ ચાર રસ્તા તથા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પણ પાણી ભરાતા, ટ્રાફિક ખોરવાયું હતું અને સર્વિસ રોડ બંધ કરવો પડ્યો હતો. સ્થાનિકો મુજબ, દર વર્ષે વરસાદના દિવસોમાં અહીં આવું જ દ્રશ્ય જોવા મળે છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા દર્શાવતાં તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.