દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલ 1લી તારીખે ગુજરાતનાં સ્થાપના દિને ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી અને છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) ના મહાસંમેલનમાં હાજરી આપશે.
વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધન કરવાનું એલાન કરવામાં આવ્યું છે અને આગામી ચૂંટણી બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.
આગામી વિધાનસભાની ચુંટણીને લઈને આપ પાર્ટી ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે, જેમાં રાજ્યના શહેરી વિસ્તારો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પેઠ જમાવવા માટે મહેનત કરી રહી છે, જેની તૈયારીના ભાગ રૂપે જ આપ પાર્ટીએ ગત દિવસોમાં BTP સાથે ગઠબંધન કરીને એક મોટો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હતો.
આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં પ્રવેશી છે ત્યારથી ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોમાં સારી સફળતા મેળવી છે, અને હવે ખાસ કરીને તેનો વ્યાપ વધારવા દક્ષિણ ગુજરાતમાં મથી રહી છે.
ગુજરાતની 15% અનામત એવી 30 ટકા બેઠકો એસટી સમાજના ઉમેદવારો માટે અનામત છે, જેના પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે.
સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી છે, આદિવાસી સમાજની 26 બેઠકોમાંથી 17 બેઠકો અહીંથી આવે છે.
આમ જોઈએ તો આ સીટો પરંપરાગત રીતે કોંગ્રેસ તરફી ગણાય છે, પણ ગત ચુંટણી બાદ ભાજપે કોંગ્રેસના અમુક આદિવાસી નેતાઓને પાર્ટીમાં શામેલ કરી લીધા હતા, જેમને સરકારમાં અને પાર્ટીમાં અલગ અલગ પદો પણ આપ્યાં છે.
2017માં દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને 17 બેઠકો મળી હતી, જે બાદ અમુક ધારાસભ્યો ભાજપમાં જોડાતા સંખ્યા 12 ની થઈ ગઈ છે, ઉપરાંત આદિવાસી સમાજના નેતા છોટુ વસાવાની પાર્ટી BTPએ ગત્ ચુંટણીમાં બે સીટો જીતી હતી.
ચૂંટણી પરિણામો, દલ બદલું નેતાઓ તેમજ સમાજના વિકાસના કામોને લઈને આદિવાસી સમાજ અત્યારે નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે, આવા સંજોગોમાં આદિવાસી સમાજનું નેતૃત્વ કરતી BTP પાર્ટી ઘણી બેઠકો પર ચુંટણી પરિણામો ફેરવી શકે છે.
અને એટલે જ AAP અને BTP પાર્ટી સંયુક્ત રીતે લડશે તો ભાજપ અને કોંગ્રેસ બંનેને અનેક સીટો પર ફરક પડશે તે ચોક્કસ છે.