આગામી મહિનાઓમાં રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીની ભલે સત્તાવાર જાહેરાત ન થઈ હોય પણ તમામ રાજકીય પાર્ટીઓએ ખૂબ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.છેલ્લા 27 વર્ષથી સત્તાધારી ભાજપ હોય કે સત્તા માટે વર્ષોથી રાહ જોતી કોંગ્રેસ પાર્ટી કે પછી આમ આદમી પાર્ટી… દરેક પાર્ટીના નેતાઓ અંદરોઅંદર પુરજોર તૈયારીઓમાં લાગી ગયા છે, બસ રાહ છે ચુંટણીનો વાયરો ફેંકાવાની.
રાજ્યમાં સત્તાધારી ભાજપ વિશે ઘણું લખાઈ છે, બોલાય છે અને જે રીતે ભાજપ ગુજરાતમાં ખૂણે ખૂણે પોતાનું સંગઠન લઈને બેસી છે તેનાથી ગુજરાતની તમામ જનતા પૂરી રીતે વાકેફ છે, પણ સામે પક્ષે વિપક્ષમાં બેસેલી કોંગ્રેસ પાર્ટીની આગામી ચુંટણીમાં કેવી તૈયારી છે, કેવી પરિસ્થિતિ છે કોંગ્રેસ પાર્ટીની.ઘણાં લોકો એવું માનતા હોય છે કે કોંગ્રેસ પાર્ટી અત્યંત દયનીય સ્થિતિમાંથી પસાર થઈ રહી છે, ગુજરાત ભલે ભાજપનું ગઢ રહ્યું હોય, અહી કોંગ્રેસ સામે અનેક પડકારો છતાં અન્ય દેશના અન્ય રાજ્યો કરતા વધુ સારી પરિસ્થિતિમાં છે તે ચોક્કસ છે.
ગત 2017ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ સામે પુરજોરથી લડી હતી અને એટલે જ એક ક્ષણે એવું દર્શાઈ આવતું હતું કે ભાજપ ચુંટણી જીતશે કે કેમ.ગત ચુંટણીમાં કોંગ્રેસના કુલ મતોની ટકાવારી 40 ટકા જેટલી રહી હતી, જે સામાન્ય રીતે જીત મેળવવા માટે લગભગ પૂરતી માની શકાય છે, પણ આ મતોને કોંગ્રેસ સિટોમાં ફેરવવામાં નિષ્ફળ નીવડી હતી.
પણ હવે વર્ષ 2022 છે, રાજ્યના લોકો સત્તાધારી ભાજપથી અનેક મુદ્દાઓને લઈને નિરાશ છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે.દલિત સમાજ, મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજ પહેલેથી જ કોંગ્રેસ તરફી રહ્યો છે, જ્યારે આ વર્ષે ભાજપનો મતદાર ગણાતો પાટીદાર સમાજ અને કોળી-ઠાકોર સમાજ ભાજપની અમુક નીતિઓથી ઘણો રહ્યો ત્રસ્ત છે.
ગુજરાતમાં પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજ લગભગ 25 ટકા મતદારો ધરાવે છે, અને રાજ્યની લગભગ 90થી વધારે સીટો પર સીધું પ્રભુત્વ ધરાવે છે, હવે જોવું એ રહ્યું કે શું કોંગ્રેસ જ્ઞાતિના ગણિતમાં ભાજપના આ બંને જ્ઞાતિના મતદારોનેે પોતાના તરફ ખેંચી શકે છે કે કેમ.
છેલ્લા દિવસોમાં ખોડલધામના અધ્યક્ષ અને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં ખાસ્સુ પ્રભુત્વ ધરાવતા નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું હતું, આ ઉપરાંત કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી, તેમજ દલિત સમાજના અમુક આગેવાનોએ બંધ બારણે નરેશ પટેલ સાથે બેઠકો યોજી હતી, જો આ બંને જ્ઞાતિના આગેવાનો કોંગ્રેસમાં જોડાય કે બહારથી ટેકો જાહેર કરે તો ચોક્કસ પણે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવા માટે ભાજપ કરતા પણ વધારે દાવેદાર બની રહેશે.
ગુજરાત કોંગ્રેસે ઠાકોર સમાજના નેતા જગદીશભાઈ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવીને ઠાકોર અને કોળી સમાજને પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ પહેલેથી જ કરી નાખ્યો છે.
અહી આ તમામ બાબતો.. જો.. અને તો.. ની પરિસ્થિતિ પર નિર્ભર કરે છે.
આ ઉપરાંત કોંગ્રેસ પોતાના મૂળ મતોને સાચવી શકશે કે કેમ તેના પર પણ અમુક અંશે શંકાઓ સેવાઈ રહી છે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કોંગ્રેસના અનેક આગેવાનો પાર્ટી છોડીને ભાજપ કે આપ પાર્ટીમાં શામેલ થયા છે, છેલ્લા દિવસોમાં કોંગ્રેસના ટેકેદાર ગણાતા આદિવાસી સમાજના નેતા છોટુ વસાવાએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠક યોજી હતી.
ભરૂચ જિલ્લાના કોંગ્રેસ નેતાઓ હોય કે પછી સાણંદ હોય કે પછી રાજકોટ જિલ્લાના અમુક આગેવાનો હોય, જેઓ કોંગ્રેસ છોડીને ભાજપ કે આપમાં શામેલ થયા છે, અને જેમ જેમ ચુંટણી નજીક આવતી જશે તેમ અન્ય નેતાઓ પણ આ રાહે ચાલે તો કોઈ નવાઈ નહિ હોય, જેનું કોંગ્રેસને ખૂબ મોટું નુકશાન થઇ રહ્યુ છે.

વર્ષોથી જેમણે કોંગ્રેસ પાર્ટી માટે રાષ્ટ્રીયસ્તરે કામ કર્યું છે તેવા અહમદ પટેલના પુત્ર પણ કોંગ્રેસ પાર્ટીની અમુક નીતિઓથી નારાજ હોય તેવું ગયા અઠવાડિયાથી દર્ષાઇ રહ્યું છે.આ તમામ પરિબળો સાથે એક એ બાબત પણ ઘણી મહત્વની છે કે ગુજરાત કોંગ્રેસમાં ગણી શકાય તેવું એક પણ નેતૃત્વ રહ્યું નથી, પાર્ટીના ટોચના નેતાઓ વચ્ચે પરસ્પરના ઘર્ષણો વિશે અવારનવાર અનેક સમાચારો વહેતા થતાં આવે છે,
શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓની છાપ ગુજરાતમાં ખૂબ સારી ગણી શકાય તેવી છે, પણ હાલ તેઓ ગુજરાતની રાજનીતિથી દૂર કેન્દ્રીય રાજનીતિમાં સક્રિય છે, શંકરસિંહ વાઘેલા જેવા કોંગ્રેસના પીઢ નેતાએ વર્ષો પહેલા કોંગ્રેસ સાથેની છેડો ફાડી નાખ્યો છે, અને છેલ્લે સૌરાષ્ટ્ર કોળી સમાજના મુખ્ય નેતાઓમાં ગણી શકાય તેવા કુંવરજીભાઈ બાવળિયાએ પણ પાર્ટી છોડીને ભાજપનો ખેસ પહેરી લીધેલો.
આ તમામ પરિબળોની સાથે ગુજરાત કોંગ્રેસ સામે ‘આમ આદમી પાર્ટી’ પણ નવા પડકારો લાવીને ઊભી રહે તેવી પૂરી શક્યતાઓ છે.રાજ્યના અનેક મતદારો જેઓ ભાજપની નીતિઓથી નિરાશ છે તેઓ અત્યાર સુધી કોંગ્રેસને જ વિકલ્પ તરીકે જોતા આવ્યા છે, પણ હવેથી તેઓની સામે આપ પાર્ટી પણ એક વિકલ્પના રૂપમાં ઉભરી આવી છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આપ પાર્ટી કોંગ્રેસને ભારે નુકશાન કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ગયા મહિને દેવભૂમિ દ્વારકા ખાતે પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરના આયોજનથી પાર્ટીએ ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર દ્વારા ઉત્તર ગુજરાતમાં ગૌરવ યાત્રા થકી લોકો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરી કરી દીધા છે.યુવા કોંગ્રેસ દ્વારા ભાજપની નીતિઓથી નિરાશ યુવાનોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જુંબેશ શરૂ કરાઇ છે.ઉપરાંત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પાર્ટીની બેઠકોનો દોર શરૂ થયા છે, આ તમામ તૈયારીઓ વચ્ચે પોતાની સીટો માટે દાવેદાર ગણાતા નેતાઓ પોતપોતાની રીતે પણ ચુંટણીની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે.
આ તમામ પરિબળો વચ્ચે ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં હજી સુધી સારી સ્થિતિમાં ટકી રહી છે,
પાર્ટીને યોગ્ય અને બૃહદ્ નેતૃત્વ, કાર્યકર્તાઓની મહેનત, વિવિધ જ્ઞાતિઓ વચ્ચેના ગણિતનું તાલમેલ, સત્તાધારી પાર્ટીથી ત્રસ્ત પ્રજાના પ્રશ્નોને યોગ્ય ઢંગથી ઉપાડીને આગળ આવે તો ચોક્કસ આગામી ચુંટણીમાં કોંગ્રેસ સારી પરિસ્થિતિ પર પહોંચી શકે છે, અને શક્ય છે કે સત્તાનો સ્વાદ પણ ચાખી શકે છે.