હાર્દિક પટેલે છેવટે જાહેરાત કરી જ દીધી કે તે પોતે નહીં પણ અલ્પેશ કથીરીયા રહેશે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો. જાહેરાત થતાં જ વાતોનાં વડાંના પડીકા બંધાતા થઈ ગયા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયા વચ્ચે કશીક ગરબડ ચાલી રહી હોવાનો મામલો ચર્ચાની ચાકડે ચઢી ગયો છે. સવાલો અનેક છે પણ સાચો જવાબ કદાચ હાર્દિક અને અલ્પેશ જ આપી શકે છે.
જાણકારો કહી રહ્યા છે કે PAASમાં ભાગલા પડવાનો આ સીધો પ્રારંભ છે. અલ્પેશ કથીરીયાને ગંભીર અને અસરકરાક માનવામાં આવે છે જ્યારે હાર્દિકને ગંભીર ગણવામાં આવતો નથી. મતલબ કે હાર્દિકને ગંભીરતાથી લેતા નથી જ્યારે અલ્પેશ કથીરીયાને ગંભીરતાથી લેવામાં આવે છે. અલ્પેશને ઈમેજ સાદગી અને ઠાવકાઈવાળી છે. અલ્પેશ કથીરીયા મધ્યમ વર્ગમાંથી આવે છે. સાદું જીવન જીવે છે, સાદી રીતે રહે છે, સાદા કપડા પહેરે છે. તો હાર્દિક શું ભપકો કરતો હતો. હાર્દિકે સંમતિ આપી કે હાર્દિકને સંમતિ આપવા માટે મજબૂર કરાયો? જે હોય તે હાર્દિક અંગે ભારે વિવાદો વચ્ચે પણ પાટીદાર અનામત આંદોલનને ટકાવી રાખવાનું ગજું હાર્દિક પટેલ સિવાય બીજા કોઈની પાસે નથી. અલ્પેશ કથીરીયાના હાથમાં કમાન આવતા પાટીદાર અનામત આંદોલન નવા જોશ સાથે શરૂ થશે એમાં કોઈ બેમત નથી. કથીરીયામાં મક્ક્મ અને ચોક્કસ નિર્ધાર સાથે કશુંક કરવાનું જોમ જોવા મળે છે. આમ પણ વરુણ પટેલ, રેશ્મા પટેલ અને દિનેશ બાંભણીયાનાં હાર્દિકથી દુર થયા બાદ PAASમાં સ્થિતિ સારી તો હતી નહીં પણ હાર્દિક પોતે સમિતિ અને આંદોલનનાં પ્રભાવને ટકાવી ગયો એ મોટી સફળતા ગણવાની રહે છે અને ભાજપ સહિત હાર્દિકના વિરોધીઓની આ મોટી હાર ગણવાની રહે છે.
બીજી ચર્ચા એવી પણ છે કે હાર્દિકને PAASમાંથી આડકતરી રીતે દુર રાખવા માટે અલ્પેશ કથીરીયાના નામની રાજરમત તો રમાઈ નથી ને? હાર્દિકના સમર્થકોમાં મોટાપાયા પર નારાજગી છે અને નિર્ણયથી તેઓ ખુશ પણ નથી. એવું પણ કહેનારા છે કે PAASને તોડવા માટેની ભાજપની રણનીતિ સફળ થઈ ગઈ છે. જો ભાજપની રમત હોય તો હાર્દિક સંમતિ ન આપે પણ સમાજના મોભાદાર અને PAASનાં આગેવાનો દ્વારા પર હાર્દિકને ભૂતકાળમાં વિવાદોના કારણે PAASથી દુર રહેવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે વખતે હાર્દિકે વાત માની લીધી હોત તો આંદોલનના ગળે ટૂંપો દેવાઈ ગયો હોત.
જાણકારો કહી રહ્યા છે કે અલ્પેશ કથીરીયા PAASમાં નંબર ટૂના સ્થાને હતો જ અને હવે કમાન આવી રહી છે ત્યારે હાર્દિકની ભૂમિકા તો યથાવત જ રહેશે. હાર્દિક PAASથી દુર થઈ શકે એમ નથી અને PAAS પણ હાર્દિકને દુર રાખી શકે એમ પણ નથી. PAAS અને હાર્દિક એક સિક્કાની બે બાજુ જેવાં બની ગયા છે. એવી પણ ચર્ચા છે કે મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણે ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે સરકાર સાથેની વાટાઘાટોમાં હાર્દિક કરતાં અલ્પેશ કથીરીયાનું વજન રજૂઆતમાં વધુ પડશે, એવી ગણતરી સાથે પણ હાર્દિકે અલ્પેશને આગળ કર્યો હોવાનું માની શકાય છે. માનવાને તો ઘણા અનમાનો છે પણ મજબૂત વાત એ છે કે હાલ તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાજપની રણનીતિ સફળ થતી દેખાઈ રહી છે.