ઉના તાલુકાના મૂળ ભીંગરણ ગામની અને કોબ ગામે રહેતી મહિલા બુટલેગરે ભીંગરણ પંચાયત કચેરીમાં પરિવારના સભ્ય સાથે આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો.
સરંપચ પર પથ્થરના ઘા કર્યા હતા
ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંકી પંચાયત ઓફિસ ખાતે સવારે બેઠા હતાં. આ દરમિયાન કોબ ગામની લાલુ નામની મહિલા બુટલેગર ત્યાં આવી પહોંચી હતી. અને મનફાવે તેવી ગાળો બોલવા લાગતા સરપંચે તેમને ગાળો બોલવાની ના પાડી હતી. આથી મહિલા બુટલેગર સાથે આવેલી બીજી મહિલાઓએ સરપંચ પર હુમલો કર્યો હતો. જેમાં સરપંચને માથામાં પાછળનાં ભાગે પથ્થરનો ઘા વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. આ બનાવમાં સરપંચના જણાવ્યા મુજબ અગાઉ મહિલા બુટલેગરના ભાઇ સાથે પોતાને ગામમાં રસ્તા બાબતે બોલાચાલી થઇ હતી. તેમજ તાજેતરમાં પોતે એસપીને પોતાના વિસ્તારમાં દારૂ વેચાતો હોવા અંગેની રજુઆત કરી હતી. તેનો ખાર રાખી મહિલાએ આ હુમલો કર્યો હતો.