Women-led Dairy Cooperatives in Gujarat: દૂધ ઉત્પાદન ક્ષેત્રે મહિલાઓના યોગદાનમાં સતત વધારો
Women-led Dairy Cooperatives in Gujarat: આંતરરાષ્ટ્રીય સહકારી દિવસને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ, રાજ્યમાં સહકારી ક્ષેત્રે મહિલાઓની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી છે. ખાસ કરીને મહિલા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યા તેમજ તેમની આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. 2020થી 2025 વચ્ચે મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યા 3,764 થી 21% વધી 4,562 થઈ ગઈ છે. આ સાથે વાર્ષિક આવક રૂ. 6,310 કરોડમાંથી વધીને રૂ. 9,000 કરોડને પાર પહોંચી છે, જે 43% વૃદ્ધિ દર્શાવે છે.
દૂધ ઉત્પાદન અને મેનેજમેન્ટમાં મહિલા આગેવાની
રાજ્યમાં હાલ લગભગ 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યો છે જેમાંથી 12 લાખ એટલે કે 32% મહિલાઓ છે. સાથે જ મિલ્ક યુનિયનોના બોર્ડમાં પણ હવે 25% સુધી મહિલા ડિરેક્ટરો છે. ગ્રામ્ય સ્તરે ચાલી રહેલી સહકારી મંડળીઓની મેનેજમેન્ટ સમિતિઓમાં પણ મહિલાઓની સંખ્યા 70,200થી વધીને 80,000 થઈ છે, જે 14% વૃદ્ધિ દર્શાવે છે. મહિલાઓ હવે ફક્ત સભ્ય નહીં રહી, પરંતુ સહકારી સંસ્થાઓની મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ સંભાળી રહી છે.
દૂધ ખરીદી અને આવક બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ
GCMMF દ્વારા મળેલી માહિતી અનુસાર, મહિલાઓ દ્વારા સંચાલિત મંડળીઓએ દૂધની ખરીદીમાં પણ મોટો ફાળો આપ્યો છે. 2020માં જ્યાં દૂધ ખરીદી 41 લાખ લિટર પ્રતિ દિવસ હતી, તે 2025માં 57 લાખ લિટર થઈ ગઈ છે – એટલે કે 39% વધારો. હવે કુલ દૂધ પ્રોક્યોરમેન્ટમાં 26% ફાળો મહિલાઓના ગ્રૂપ્સનો છે.
નારીશક્તિએ આપ્યો સાબિત કરેલો વિકાસનો માર્ગ
મહિલા સંચાલિત દૂધ મંડળીઓ હવે માત્ર દૂધ ઉત્પાદન સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સમાજમાં નારી સશક્તિકરણનું સશક્ત ચિત્ર બની છે. દૈનિક અંદાજિત આવક હવે રૂ. 25 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ નફામાં વધારો એ દર્શાવે છે કે મહિલા સંચાલિત સહકારી મંડળીઓ હવે સમગ્ર રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.