Women Night Shift in Gujarat : હવે મહિલાઓ પણ કરશે રાત્રે ડ્યુટી! ગુજરાતમાં કાયદામાં થશે ઐતિહાસિક સુધારો
Women Night Shift in Gujarat : ગુજરાત સરકારે હવે મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવા માટે કાયદાકીય સુધારાના પ્રયાસો શરૂ કર્યા છે. અત્યાર સુધી કાયદાઓ અનુસાર મહિલાઓ ફક્ત સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જ કામ કરી શકતી હતી. પરંતુ હવે આ મર્યાદા બદલાઈ શકે છે.
ટોચના સરકાર સ્તરના સૂત્રોના જણાવ્યા અનુસાર, women employees માટે રાત્રીના સમયમાં કામ કરવાની મંજૂરી આપવા માટે ખાસ વટહુકમ તૈયાર કરાયો છે. કાયદા વિભાગ એ તેનું વિધાન સમીક્ષા હેઠળ રાખ્યું છે અને આશા છે કે આ વટહુકમ થોડા જ દિવસોમાં જાહેર કરવામાં આવશે.
મહિલાઓના હક્કમાં ઐતિહાસિક પગલું
આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ મહિલા કાર્યબળને વધુ સશક્ત બનાવવાનો છે. ફેક્ટરી એક્ટ, 1948માં કલમ 65 હેઠળ રાજ્ય સરકાર પોતાના અધિકારોનો ઉપયોગ કરીને કલમ 66 (b)માં ફેરફાર કરવા જઈ રહી છે, જેમાં હાલ રાત્રિના સમયમાં મહિલાઓને કામ કરવાની મંજૂરી નથી.
નવા સુધારાથી આ પ્રતિબંધ હટાવાશે અને નાઈટ શિફ્ટ માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવશે. આમ, મહિલાઓ હવે રાત્રિ સમયે પણ ફેક્ટરીઓ તથા કોમર્શિયલ સેક્ટર ખાતે કામ કરી શકશે.
સુરક્ષા અને સુવિધા પણ રહેશે જરૂરી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી નીતિ હેઠળ નાઈટ શિફ્ટમાં મહિલાઓને કામ માટે નીચેની શરતોનું પાલન કરવું ફરજિયાત હશે:
સલામતી અને ગુપ્ત ફરિયાદ વ્યવસ્થા: કાર્યસ્થળે પુરતી સુરક્ષા, ગોપનીય ફરિયાદ વ્યવસ્થા અને સતામણી સામે રક્ષણ માટે ખાસ વ્યવસ્થા હોવી જરૂરી છે.
લાઇટિંગ અને સીસીટીવી: પરિસરમાં પૂરતી લાઇટ અને CCTV કવરેજ હોવું જરૂરી છે.
સૂપરવિઝન સાથે ગ્રુપ એમ્પલોયમેન્ટ: નાઈટ શિફ્ટમાં ઓછામાં ઓછી 10 મહિલાઓ હોવી જોઈએ તથા યોગ્ય દેખરેખ હોવી જોઈએ.
ટ્રાન્સપોર્ટ અને આરામ: સુરક્ષિત ટ્રાન્સપોર્ટ સાથે મહિલા ગાર્ડ હોવી ફરજિયાત છે અને બે શિફ્ટ વચ્ચે ઓછામાં ઓછા 12 કલાક આરામનો સમય હોવો જોઈએ.
સ્વૈચ્છિક સંમતિ: મહિલાઓને રાત્રે કામ કરવા માટે લેખિત સંમતિ આપવી પડશે. કોઈ જ પ્રકારની બળજબરી નહીં થાય.
રોજગારમાં મહિલાઓનો વધતો હિસ્સો
આ કાયદાકીય સુધારાના અમલથી ન માત્ર મહિલા કર્મચારીઓને નવી તકો મળશે પરંતુ રાજયમાં સ્થાપિત મોટી કંપનીઓ અને MNCs પણ હવે રાત્રિના સમયમાં મહિલાઓને સરળતાથી નોકરી આપી શકશે. આ એક પગલું ગુજરાત માટે વધુ સમાવિષ્ટ અને પ્રગતિશીલ કાર્યોના દ્વાર ખોલશે.