World Navkar Mahamantra Day 2025: સુરતની 64 વર્ષીય શોભાબેન શાહે બ્રાહ્મી લિપિમાં લખ્યા 50,000થી વધુ નવકાર મંત્ર, સાધનાનું અનોખું ઉદાહરણ
World Navkar Mahamantra Day 2025: વિશ્વભરમાં આજે નવકાર મહામંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ પાવન દિવસે સુરતની 64 વર્ષીય શોભાબેન શાહે આધ્યાત્મિક અનુષ્ઠાનનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે શ્રદ્ધા, લગન અને અધ્યયનનો જીવંત સંદેશ આપે છે. શોભાબેને નવકાર મંત્રને માત્ર બોલ્યો નહીં, પરંતુ વર્ષભર જેટલા સમય દરમિયાન તેને 50,000થી પણ વધુ વખત વિવિધ ભાષાઓ અને સ્વરૂપોમાં લખીને અનોખી સાધના આચરી છે.
રિટાયરમેન્ટ પછી આધ્યાત્મિક માર્ગે અનોખી યાત્રા
શોભાબેન શાહે જીવનના સિનિયર ફેઝમાં પ્રવેશ કર્યા બાદ આધ્યાત્મિકતામાં પ્રગટ અનોખાપણું દાખવ્યું છે. તેમને નવકાર મંત્રને માત્ર મૌખિક જાપથી આગળ લઈ જઈ, તેને લેખન દ્વારા જીવંત બનાવ્યો છે. તેમણે મંત્રને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તેમજ ભારતની પ્રાચીન લિપિ બ્રાહ્મી સહિત અનેક સ્વરૂપોમાં લખ્યો છે.
બ્રાહ્મી લિપિમાં લખ્યું અનોખું પુસ્તક
બ્રાહ્મી લિપિ, જેનો ઉલ્લેખ પ્રાચીન ભારતીય શિલાલેખોમાં અને જૈન-બૌદ્ધ સાહિત્યમાં મળે છે, તેને શીખવી પણ સરળ બાબત નથી. શોભાબેન કહે છે, “હું બ્રાહ્મી લિપિ શીખવા માટે મોબાઇલનો સહારો લીધો. આખું લિપિ શીખી પછી જ્યારે મંત્ર લખવાનું શરૂ કર્યું ત્યારે આખું પુસ્તક તૈયાર કરવા માટે એક મહિનો લાગી ગયો.”
500થી વધુ રૂપોમાં લખ્યા નવકાર મંત્ર
શોભાબેન માત્ર એકસરખું લખીને અટકી નથી, તેમણે નવકાર મંત્રને કલાત્મક રીતે કળશ, અષ્ટમંગલ, કમળ, પતંગિયા, ભગવાનની પ્રતિકૃતિ અને જૈન ધ્વજમાં પણ લખ્યું છે. તેમણે અત્યારસુધી કુલ 37 પુસ્તકો તૈયાર કર્યા છે, જેમા 500થી પણ વધુ ઢબે નવકાર મંત્ર દર્શાવવામાં આવ્યો છે.
બ્રહ્મ મુહૂર્તની સાધના
તેમની સાધના સવારે 3થી 7 વચ્ચેના બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ચાલતી હતી. એક વર્ષ સુધી તેઓ રોજ નિયમિત રીતે લખતાં રહ્યા. “જ્યારે હું લખતી, ત્યારે ધીમે ધીમે અર્ધ ધ્યાનમાંથી મારું મન ધર્મ ધ્યાન તરફ વળતું. આ પ્રયત્નથી મને આત્મિક શાંતિ અને ચિત્તની એકાગ્રતા અનુભવાય છે,” શોભાબેન ઉમેરે છે.
નવકાર મંત્રનું મહાત્મ્ય
જૈન પરંપરાના આદિમંત્ર તરીકે ઓળખાતો નવકાર મંત્ર કોઈ પણ દેવ-દેવીઓની ભક્તિ કરતા વિશિષ્ટ છે. તે પાંચ શ્રેષ્ઠ તત્વોને નમન કરતો છે. માન્યતા પ્રમાણે, ભાવપૂર્વક આ મંત્રના જાપથી તીર્થયાત્રા જેટલું પુણ્ય મળે છે.
શોભાબેન શાહ: આધ્યાત્મિકતાનું જીવન્ત પ્રેરણા સ્ત્રોત
શોભાબેનની સાધના આજના યુગમાં આધ્યાત્મિક ઉત્કર્ષની સાક્ષાત્ છબી છે. તેમનો પ્રયત્ન દર્શાવે છે કે લિપિઓ, ભાષાઓ કે વય કોઈ સાધક માટે અટક તરીકે ઉભી રહી શકતી નથી—જ્યાં શ્રદ્ધા હોય, ત્યાં સાધના શક્ય બને છે.