રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ: ગુજરાતમાં MSME ક્ષેત્રનો વિકાસ અને સરકારી પહેલ
દર વર્ષે 30 ઓગસ્ટના રોજ ભારતમાં ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ મનાવવામાં આવે છે. લઘુ ઉદ્યોગો દેશના આર્થિક વિકાસનો પાયો છે, જે રોજગારીનું સર્જન, ગરીબી નિવારણ અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં, છેલ્લા પાંચ વર્ષમાં આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. 2021-25 દરમિયાન અંદાજે રૂ. 86,418 કરોડનું મૂડી રોકાણ થયું છે અને 3.98 લાખ કરતાં વધુ નવી રોજગારીઓનું સર્જન થયું છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે 1.69 લાખથી વધુ ક્લેઇમ અરજીઓ માટે રૂ. 7,300 કરોડથી વધુની સહાય પણ પૂરી પાડી છે.
‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ અને અન્ય પહેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકારે લઘુ ઉદ્યોગોના વિકાસ માટે મજબૂત વાતાવરણ ઊભું કર્યું છે. ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ (ZED) અભિયાન હેઠળ, ગુજરાતના અંદાજે 1.10 લાખ MSME એકમોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 66 હજારથી વધુ એકમોએ ZED પ્રમાણપત્ર મેળવ્યું છે, જે દર્શાવે છે કે ગુણવત્તા અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડવાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં મોખરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 17.39 લાખ ઉદ્યમ રજિસ્ટ્રેશનની નોંધણી થઈ છે, જેમાં 2.91 લાખથી વધુ મહિલા સાહસિકોનો સમાવેશ થાય છે.
વિકાસ માટેની સરકારી યોજનાઓ
રાજ્ય સરકાર લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ નાણાકીય સહાય અને માર્ગદર્શન પૂરા પાડી રહી છે.
ક્લસ્ટર વિકાસ અને માર્કેટિંગ સહાય: ક્લસ્ટર વિકાસ માટે રૂ. 4.5 કરોડ અને માર્કેટિંગ સહાય હેઠળ 1,511 એકમોને રૂ. 26.38 કરોડ એમ કુલ રૂ. 30 કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
સેમિનાર અને વર્કશોપ: ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપવા માટે રૂ. 27.50 લાખની સહાયથી 238 સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિલંબિત ચૂકવણીનો નિરાકરણ: વિલંબિત ચૂકવણીના કેસોના ઝડપી નિવારણ માટે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છમાં 6 Regional MSEFC કાઉન્સિલની રચના કરવામાં આવી છે.
‘વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ મહોત્સવ: 2023માં યોજાયેલા આ મહોત્સવમાં 32 જિલ્લાના 2.70 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો અને 2,600થી વધુ એકમો દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ તમામ પ્રયાસો ગુજરાતને દેશના MSME ક્ષેત્રમાં અગ્રેસર બનાવવામાં મદદ કરી રહ્યા છે અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરી રહ્યા છે.