ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપતી એક પ્રેરણાદાયી પહેલ
પર્યાવરણ સુરક્ષા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે—ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપતી ‘માટી મૂર્તિ મેળા’ની પહેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૦ જેટલા માટી મૂર્તિ મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ ૧,૭૦૨ કારીગરોએ રૂ. ૧૫.૫૧ કરોડની મૂર્તિઓનું વેચાણ કર્યું છે. સરકાર તરફથી કારીગરોને રૂ. ૧.૫૧ કરોડની સહાય પણ આપવામાં આવી છે.
આ યોજનાની ખાસિયત એ છે કે
કારીગરોને ‘રેડી ટુ યુઝ’ માટી તેમના મૂર્તિના ઉત્પાદન માટે ૫૦% સબસિડી પર આપવામાં આવે છે. ઉપરાંત, તેમને મેળામાં વિના મુલ્યે સ્ટોલ અને દરરોજ રૂ. ૧૦૦૦ લેખે સહાય પણ મળે છે. ૨૦૨૫માં ૨૧થી ૨૭ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં પાંચ સ્થળોએ આવા મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. અત્યારસુધીમાં ૩૯૦ કારીગરોને અંદાજે ૨૩૧ ટન માટીનું વિતરણ થયું છે.
પર્યાવરણ માટે ઘાતક POPની મૂર્તિઓને બદલે માટીની મૂર્તિઓ વાપરવા માટે
જનજાગૃતિ ફેલાવવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. હોર્ડિંગ્સ, ટીવી, રેડિયો અને ડિજિટલ મીડિયા મારફતે જનતા સુધી સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે. સ્કૂલોમાં જીવંત નિદર્શન અને વર્કશોપ્સ દ્વારા યુવાનોમાં પર્યાવરણીય સંવેદનશીલતા વિકસાવવામાં આવી રહી છે.
સ્ટોલ મેળવવા માટે કારીગરોએ જાહેર નોટિસ મુજબ https://www.satyaday.come-kutir.gujarat.gov.in/ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. વધુ માહિતી માટે 079-23251681 થી 87 નંબર પર સંપર્ક કરી શકાય છે.
POPમાં રહેલા ઝેરી તત્વો પાણીમાં ઓગળી ન શકતાં પાણીના સ્ત્રોતને નુકસાન પહોંચાડે છે. તેથી વર્ષ ૨૦૧૫થી રાજ્ય સરકારે માટીની મૂર્તિઓ માટે ખાસ પ્રોત્સાહન યોજના અમલમાં મૂકી છે, જે હવે ગુજરાતના ગણેશોત્સવનો એક પર્યાવરણમૈત્રી ઉપક્રમ બની રહ્યો છે.