GujMarg Road Complaint App: તૂટી ગયેલા રસ્તા અંગે સીધી ફરિયાદ કરો, તરત મળશે ઉકેલ
GujMarg Road Complaint App: રાજ્ય સરકારે નાગરિકોની સહુલિયત માટે શરૂ કરેલી ‘ગુજમાર્ગ’ મોબાઇલ એપ હવે લોકપ્રિય બની રહી છે. નાગરિકો હવે પોતાના વિસ્તારના તૂટેલા રસ્તા, ખાડાવાળી ગલીઓ કે જોખમી પુલ અંગે સીધી ફરિયાદ વિભાગ સુધી પહોંચાડી શકે છે — તે પણ ફક્ત મોબાઇલમાં ફોટા અને માહિતી અપલોડ કરીને.
ચાર દિવસમાં 24 હજારથી વધુ ફરિયાદો, 226% નો વધારો
છેલ્લા માત્ર ચાર દિવસમાં 24,351 નાગરિકોએ ફરિયાદ નોંધાવી છે, જ્યારે અગાઉનો આંકડો 10,667 હતો. હવે કુલ મળીને 35,118 જેટલી ફરિયાદો થઈ છે — જે 226 ટકા જેટલો વધારો દર્શાવે છે. નાગરિકો તૂટેલા રસ્તાઓથી પરેશાન છે અને હવે તેમની પાસે સીધી ચેનલ ઉપલબ્ધ છે.
ફરિયાદોનાં ઉકેલનો દર 99.66%!
ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનામાં કુલ 3,632 ફરિયાદોમાંથી 3,620 ફરિયાદોનું નિવારણ થઈ ચૂક્યું છે. ફક્ત 7 ફરિયાદો હજી કાર્યપ્રગતિમાં છે. આથી સ્પષ્ટ થાય છે કે એપ્લિકેશન દ્વારા ઝડપથી કાર્યવાહી થાય છે.
ફોટા અને સીધો ફીડબેક તંત્ર માટે ગેમ ચેન્જર
વિભાગના અધિકારીઓ કહે છે કે એપ્લિકેશન મારફતે સ્થળના ફોટા સાથે મળતી વિગત તંત્રને તાત્કાલિક પગલાં ભરવા માટે સહાયરૂપ બને છે. હવે તેઓ મેદાનમાં તપાસ કરવા જઈએ એ પહેલાંજ નાગરિકો દ્વારા સ્થિતી સ્પષ્ટ થાય છે.
10,000 થી વધુ યુઝર્સ, રોજ 5 હજારથી વધુ નવી ફરિયાદો
હમણાં સુધી 10,000થી વધુ નાગરિકો ‘ગુજમાર્ગ’ એપ પર રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે. અને તાજેતરમાં દરરોજ 5,000થી વધુ નવી ફરિયાદો મળી રહી છે. આ ફરિયાદોના આધારે અનેક રોડ અને પુલ મરામતના ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે.
સરકારની અપીલ: તમારો હક્ક જાણો, ફરિયાદ કરો
રાજ્ય સરકારના જાહેર સંદેશામાં નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે “તૂટેલા રસ્તા સહન ન કરો, ફરિયાદ કરો!” જો તમારા વિસ્તારનો રોડ ખરાબ છે તો તરત જ ‘ગુજમાર્ગ’ એપ ડાઉનલોડ કરો અને ફરિયાદ કરો. એ તમારો નાગરિક હક્ક છે અને સરકારના જવાબદારીભર્યા વહીવટની કસોટી પણ.