શુદ્ધ પીવાના પાણીથી લઇને ભોજન તેમજ સુવા માટે બેડશીટ પણ અપાતી નહીં હોવાના આક્ષેપ કરાયા
ભુજ : ભુજ ખાતે આવેલી સમરસ કુમાર છાત્રાલયમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે. જેનો કોઈ ઉકેલ નહીં આવતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે છાત્રાલયના જવાબદાર અધિકારીઓ સમક્ષ વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હોવા છતાં પણ કોઇ પગલાં લેવાના બદલે વિદ્યાર્થીઓને દબાવવામાં આવતા હોવાનો તેમજ છાત્રાલયમાંથી પ્રવેશ રદ કરીને તેમની કારકિર્દી બગાડવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ ઉઠયા છે.
આ અંગે નેત્રાની જ્ઞાતિ નિર્મુલન સમિતિના આગેવાનોએ જીલ્લા કલેકટરને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, સમરસ કુમાર છાત્રાલયમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પીવાના પાણીની તકલીફ, ગુણવત્તાયુક્ત તથા મેન્યુ પ્રમાણેનું ભોજન આપવામાં આવતું નથી. છાત્રાલયની ક્ષમતા ૨૫૦ વિદ્યાર્થીઓની છે, જેમાં ૧૦ બાથરૂમમાંથી માત્ર ૪ જ ચાલુ હાલતમાં છે, બાકીના બાથરૂમ બંધ હાલતમાં પડ્યા છે. બાથરૂમની સફાઇ પણ નિયમિત કરવામાં આવતી નથી. ગરમ પાણીની સુવિધા પણ બંધ છે. સુરક્ષા કર્મચારી રાત્રિ દરમ્યાન નશાયુક્ત હાલતમાં હોય છે તેવો આક્ષેપ કરાયો હતો. ઈબીસીના બદલે ઇડબલ્યુએસ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો છે.
નાપાસ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાયાની ફરિયાદ
સમિતિ દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. કેટલાક છાત્રો દ્વારા દારૂનું સેવન પણ કરવામાં આવી રહ્યું છે. લાયબ્રેરીમાં નવા પુસ્તકો નથી તેમજ સુવા માટે નવી ચાદર, ઓશિકા કે બેડશીટ પણ આપવામાં આવતા નથી તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
રજૂઆત કરનાર છાત્રો પર કરવામાં આવતું દબાણ
છાત્રાલયનો કોઇપણ વિદ્યાર્થી રજૂઆત કરે તો કર્મચારીઓ દ્વારા તેમને દબાણ કરવામાં આવે છે, તથા તેમનો પ્રવેશ રદ કરવાની તેમજ તેમની કારકિર્દી બગાડી નાખવાની ધમકી આવામાં આવે છે. આ સ્થિતિ વિદ્યાર્થીઓના હકો તથા છાત્રાલયના નિયમોની વિરૂદ્ધ છે. તેથી મામલે યોગ્ય તપાસ કરીને જરૂરી પગલાં ભરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સમિતિ દ્વારા કરાઇ હતી.