‘હું મારા વતન પાછી ફરવા માંગુ છું, પણ…’, શેખ હસીનાએ જણાવી દીધું કે તેઓ ક્યારે બાંગ્લાદેશ પાછા ફરશે!
બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ દેશની વર્તમાન રાજકીય સ્થિતિને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે બાંગ્લાદેશમાં પ્રવર્તતી અસ્થિરતા, અવામી લીગ પર લગાવેલા પ્રતિબંધ અને દેશમાં બિન-ચૂંટાયેલા કટ્ટરપંથી-સમર્થિત શાસનના ઉદય અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. આ સાથે જ તેમણે આગામી સામાન્ય ચૂંટણીમાંથી અવામી લીગને દૂર રાખવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે.
‘અવામી લીગ વિના ચૂંટણી અમાન્ય’
શેખ હસીનાએ ભારપૂર્વક જણાવ્યું કે, “બાંગ્લાદેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીની પ્રક્રિયામાંથી અવામી લીગને બહાર રાખવું એ લોકતાંત્રિક સિદ્ધાંતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. દેશમાં અવામી લીગની હાજરી વિના કોઈ પણ ચૂંટણી લોકતાંત્રિક રીતે માન્ય ગણી શકાય નહીં. દેશમાં આ ચૂંટણીનું આયોજન બિન-ચૂંટાયેલા શાસન દ્વારા ગેરબંધારણીય માળખા હેઠળ કરાવવામાં આવી રહ્યું છે.”

તેમણે ઉમેર્યું, “જે અવામી લીગને દેશની જનતાએ 9 વખત ચૂંટી છે, તેને આ બિન-ચૂંટાયેલા શાસન દ્વારા ચૂંટણી લડતા અટકાવવામાં આવી છે. આ ખુલ્લેઆમ દેશના લાખો મતદારોના લોકતાંત્રિક અધિકારો છીનવવાનો પ્રયાસ છે.”
‘અવામી લીગ પરનો પ્રતિબંધ દૂર કરો’
ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ જણાવ્યું કે, “અવામી લીગ બાંગ્લાદેશની સત્તામાં હોય કે વિપક્ષમાં, તે જરૂરી નથી, પરંતુ તેને આ રીતે પ્રતિબંધિત કરીને સામાન્ય ચૂંટણીમાંથી બાકાત કરી શકાય નહીં. બાંગ્લાદેશના હિતમાં તે અત્યંત જરૂરી છે કે અવામી લીગ પરથી પ્રતિબંધ હટાવવામાં આવે. નહીંતર, દેશ એવી સરકાર બનાવવાની તક ગુમાવશે જે ખરેખર બાંગ્લાદેશની જનતાની સહમતિથી શાસન કરે.” તેમણે કહ્યું કે બાંગ્લાદેશના લોકો દેશમાં સ્થિરતા ઇચ્છે છે અને પ્રતિબંધોની આ પ્રક્રિયા પર રોક લાગવી જોઈએ.

બાંગ્લાદેશ પરત ફરવાની શરત શું છે?
જ્યારે તેમને બાંગ્લાદેશ પરત ફરવા વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી:
“બાંગ્લાદેશ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા અટલ છે. મેં મારું જીવન દેશના સંપૂર્ણ વિકાસ માટે સમર્પિત કર્યું છે અને મારું સમર્પણ આજે પણ એટલું જ મજબૂત છે. હું મારા દેશ પાછી ફરવા માંગુ છું, પરંતુ મારી શરત એ છે કે દેશમાં લોકશાહી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થાય.“
તેમણે વધુમાં કહ્યું કે, “દેશમાં એવી ચૂંટણી યોજવામાં આવે જે મુક્ત, નિષ્પક્ષ અને બધાની ભાગીદારીવાળી હોય અને આ પ્રક્રિયામાં અવામી લીગને ફરીથી સામેલ કરવામાં આવે, કારણ કે બાંગ્લાદેશના લોકોને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો મૂળભૂત અધિકાર મળેલો છે.”

