રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનામાં ક્રાંતિકારી પહેલ: આરોગ્ય સમીક્ષા કેન્દ્ર
ગુજરાત રાજ્યના નાગરિકોના આરોગ્ય સુખાકારી અને સુરક્ષા માટે રાજ્ય સરકારે એક અભૂતપૂર્વ પહેલ તરીકે આરોગ્ય સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે આરંભ કરેલું આ કેન્દ્ર આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અને સેવાઓના પરિણામોનું નિરીક્ષણ કરવા, લાભાર્થીઓ પાસેથી પ્રતિસાદ મેળવવા અને ડેટા આધારિત નિર્ણયો લેવા માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.
આ કેન્દ્રમાં અદ્યતન ટેક્નોલોજી સાથે ૧૦૦ જેટલા કોલટેકર્સની ટીમ કાર્યરત છે, જે આરોગ્ય વિભાગની તમામ મહત્વની હેલ્થલાઇન અને યોજનાઓને એકજ છત હેઠળ સંકલિત રીતે સંચાલિત કરે છે. માત્ર જુલાઈ-૨૦૨૫ મહિનામાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન પરથી ૧૨,૮૦૦થી વધુ, આરોગ્ય સમીક્ષા કેન્દ્ર પર ૫૮,૦૦૦થી વધુ, PMJAY લાભાર્થીઓના પ્રતિસાદ માટે ૯૯,૦૦૦થી વધુ, PMJAY હેલ્પલાઈન પર ૪,૦૦૦થી વધુ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત RMNCAH+N વિષયક ૨ લાખથી વધુ કોલ્સનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેન્દ્ર દ્વારા વિશિષ્ટ આરોગ્ય સેવાઓ માટે પણ વિશિષ્ટ ફોલો-અપ કોલ્સ કરવામાં આવ્યા છે. જેમાં સગર્ભા માતા માટે ૧૪,૦૦૦થી વધુ, બાળ આરોગ્ય માટે ૧૩,૯૦૦થી વધુ, ટી.બી. દર્દીઓ માટે ૧૧,૯૦૦થી વધુ, રસીકરણ માટે ૫,૦૦૦થી વધુ, સિકલ સેલ દર્દીઓ માટે ૬,૫૦૦થી વધુ, શાળા આરોગ્ય કાર્યક્રમ માટે ૬,૫૦૦થી વધુ અને વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ૨૪૫ કોલ્સનો સમાવેશ થાય છે.
આ સમગ્ર પ્રયાસે આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા અને સમયસર પ્રતિસાદની સિસ્ટમ વિકસાવી છે. PMJAY-આયુષ્માન કાર્ડ અંતર્ગત સારવાર મેળવનાર દર્દીઓના પ્રતિસાદ મેળવવા માટે ૯૯,૦૦૦થી વધુ કોલ્સ કરીને સરકાર પ્રત્યેની નાગરિકોની વિશ્વસનીયતા વધારી છે.
આ ઉત્તમ કામગીરીને આંતરરાષ્ટ્રીય માન્યતા પણ મળી છે. તારીખ ૧૬ જુલાઈ ૨૦૨૫ના રોજ વર્લ્ડ બેંકની અને ૨૪ જુલાઈના રોજ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રના કાર્યપ્રણાલીથી પ્રભાવિત થયા હતા. રાજ્ય સરકારની આ પહેલ નાગરિક કેન્દ્રિત, ટેક્નોલોજી આધારિત અને પરિણામલક્ષી શાસન તરફ મોટો પગથિયો છે.