વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીતની રાહબરીમાં અધિકારીઓ દ્વારા વિવિધ સરકારી દવાખાનામાં મોકડ્રીલ કરાઈ હતી. જે મુજબ વલસાડ તાલુકાના અટગામ ગામમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર (ક્યુ.એ.એમ.ઓ.) ડો. દિવ્યેશ પટેલે પહોંચીને મોકડ્રીલ દરમિયાન આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઈસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજનની સુવિધા, ઓક્સિજન સપ્લાય વ્યવસ્થિત થઈ રહ્યો છે કે કેમ?, વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા સહિતની આરોગ્ય સુવિધાઓની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપલબ્ધતા બાબતે પણ સમીક્ષા કરી હતી. આ સિવાય કોરોનાના દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેન્ટીલેટર, ઓક્સિજન, બેડ અને ઓક્સિજન પ્લાન્ટની પણ ચકાસણી કરી હતી. જિલ્લામાં કુલ ૧૪ સ્થળે ઓક્સિજન ઉત્પન્ન કરતા પીએસએ પ્લાન્ટ ચાલુ કન્ડીશનમાં છે કે નહી તેની પણ ચકાસણી કરી હતી. વધુમાં અધિકારીઓએ મોકડ્રીલ દરમિયાન કોરોના સંદર્ભે પૂર્વ તૈયારી રાખવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. *બોક્ષ મેટર* *કોરોનાની સારવાર માટે ખાનગી- સરકારી હોસ્પિટલોમાં કુલ ૨૪૮૩ બેડ ઉપલબ્ધ* વલસાડ જિલ્લામાં હાલમાં કોવિડની સારવાર માટે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલબ્ધ છે તેની પણ મોકડ્રીલ દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કુલ ૨૪૮૩ બેડ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. વિસ્તૃતમાં જોઈએ તો, આઈસીયુ વેન્ટીલેટર બેડ ૧૮૭, આઈસીયુ નોન વેન્ટીલેટર બેડ ૧૧૨, જનરલ વોર્ડમાં ઓક્સિજન સાથેના બેડ ૧૫૦૫ અને ઓક્સિજન વિનાના ૬૭૯ બેડ કોરોનાની સારવાર માટે તૈયાર રાખવામાં આવ્યા છે. *બોક્ષ મેટર* *વલસાડ જિલ્લામાં કુલ ૧૧૧ કોવિડ-૧૯ હોસ્પિટલની વ્યવસ્થા કરાઈ* કોવિડ ૧૯ હોસ્પિટલોની વાત કરીએ તો જિલ્લાના ૬ તાલુકામાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ(ડીસીએચ) ૩૭, ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર(ડીસીએચસી) ૨૦ અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર(ડીસીસી) ૫૪ છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં જોઈએ તો ડીસીએચ ૧, ડીસીએચસી ૧૬ અને ડીસીસી ૫૧ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ડીસીએચ ૩૬, ડીસીએચસી ૪ અને ડીસીસી ૩ છે. આમ ૬ તાલુકામાં સરકારી અને પ્રાઈવેટ મળી કુલ ૧૧૧ કોવિડ ૧૯ હોસ્પિટલોની વ્યવસ્થા કરાઈ છે. જેમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ ૨૮, પારડીમાં ૧૫, વાપીમાં ૨૫, ધરમપુરમાં ૧૫, ઉમરગામમાં ૧૩ અને કપરાડામાં ૧૫નો સમાવેશ થાય છે.
