ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ખૂબ જ માઠી અસર થઈ છે, જેના કારણે કેરીનો પાક બજારમાં મોડો આવ્યો છે. પરંતુ હવે ધીરે-ધીરે માર્કેટમાં કેરીનો જથ્થો આવવાનો શરૂ થયો છે. દરમિયાન કુદરતી રીતે કેરી પકવવાને બદલે હાનિકારક રસાયણ અથવા દવાઓથી કેરી પકવીને વેચનારા લોકો સામે સુરત આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે.
મળતી માહિતી મુજબ, શહેરના જાણીતા મહાત્મા ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યો હતો, જે દરમિયાન અલગ-અલગ કેરીના સ્ટોલ પર તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ કાર્બનથી કેરી પકવતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, વધુ પૈસા કમાવાની લાલચે કેટલાક વેપારીઓ કેરીને પકવવા માટે હાનિકારક રસાયણ અને દવાઓનો ઉપયોગ કરતા હોય છે, જેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી.
વધુ નફો કમાવવા માટે કેરી પકવવા હાનિકારક રસાયણનો ઉપયોગ થાય છે
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે જ્યારે કેરીનો પાક માર્કેટમાં આવવાનો શરૂ થાય છે ત્યારે ઘણા ફ્રૂટ વેપારીઓ વધુ પૈસા કમાવવા માટે કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરતા હોય છે. આ રસાયણ લોકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમી હોય છે અને તેનાથી પકવાયેલી કેરી લોકોના શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આ રસાયણવાળી કેરીનું વેચાણ કરતા વેપારીઓ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.