Lack of sleep: 60% ભારતીયો દરરોજ ઊંઘની ઘટથી પીડાય છે, જાણો તેનું સ્વાસ્થ્ય પર શું અસર પડે છે
Lack of sleep આધુનિક જીવનશૈલી, વધતી ટેકનોલોજીનો ઉપયોગ અને કાર્યભારે દિવસો વચ્ચે ઊંઘ સૌથી વધુ અવગણવામાં આવતી જરૂરિયાત બની ગઈ છે. AGR નોલેજ સર્વિસીસના તાજા અહેવાલ મુજબ, ભારતમાં 60% લોકો દરરોજ રાત્રે 6 કલાકથી પણ ઓછી ઊંઘ લે છે. મહામારી બાદ ખાસ કરીને લોકોના ઊંઘના પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં ચારમાંથી એક વ્યક્તિ ઊંઘની સમસ્યાથી પીડાઈ રહી છે.
રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો
ઉમર અને જીવનશૈલીના આધાર પર દરેક વ્યક્તિએ રોજબરોજ ઓછામાં ઓછી 7-8 કલાક ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘનો અભાવ રોગપ્રતિકારક શક્તિને નબળી કરે છે, જેના કારણે શરીર સાવધાન રહી શકતું નથી અને સરળતાથી તાવ, શરદી કે અન્ય ચેપ લાગવાનો ભય રહે છે. એટલું જ નહીં, ઊંઘ ઓછું લેવાને કારણે શરીરમાં હોર્મોનલ અસંતુલન પણ થતું હોય છે, જે સ્થૂળતા તરફ લઈ જાય છે.
ગંભીર રોગોનું જોખમ
સતત ઊંઘની ઉણપ શરીરને ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને હાર્ટની બીમારી જેવી ગંભીર સમસ્યાઓ તરફ ધકેલી શકે છે. ઊંઘની સમસ્યા લાંબા સમય સુધી રહે તો હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ ઘટનાઓનું જોખમ પણ વધી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર
ઉંઘની અછત ફક્ત શરીર માટે નહીં પણ મન માટે પણ એક ચેતવણીરૂપ છે. ઊંઘનો અભાવ તણાવ, ચિંતા, ડિપ્રેશન અને મૂડ સ્વિંગ જેવા માનસિક રોગોને આમંત્રણ આપે છે. ઊંઘના નિયમિત અભાવે મગજમાં ન્યુરોકેમિકલ્સનું સંતુલન બગડી શકે છે, જેના પરિણામે વ્યાકુલતા અને આંતરિક બેચેની અનુભવાય છે.
ઉકેલ શું છે?
અનિયમિત ઊંઘના ચક્રથી બહાર આવવા માટે રાત્રે શાંતિભર્યું વાતાવરણ બનાવવું, સ્ક્રીન ટાઈમ ઘટાડવો, કેફિન ટાળવી અને ધ્યાન (મેડિટેશન)નો અભ્યાસ કરવો ખૂબ અસરકારક બની શકે છે. યાદ રાખો: સારી ઊંઘ એ સારી તંદુરસ્તીનું પ્રથમ પગથિયું છે.