Low Blood Pressure Risk હાઈ નહીં, લો બીપી પણ સમજી લો ખતરા રૂપ
Low Blood Pressure Risk અભિનેત્રી શેફાલી જરીવાલાના અચાનક નિધન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓની લહેર દોડી હતી. શરૂઆતમાં કાર્ડિયાક અટેકના કારણે મૃત્યુ થયાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે મળતી માહિતી અનુસાર તેમનું બ્લડ પ્રેશર ગંભીર રીતે ઘટી ગયું હતું. જે પછી હૃદયે લોહી પંપ કરવાનું બંધ કરી દીધું અને તેમનું અવસાન થયું. આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે – શું લો બ્લડ પ્રેશર પણ જીવ માટે એટલું જ ખતરનાક બની શકે છે જેટલું કે હાઈ બીપી?
શું છે લો બીપી?
શરીરનું સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mmHg જેટલું હોય છે. જો સિસ્ટોલિક 90 અને ડાયસ્ટોલિક 60 કરતાં ઓછી હોય તો તેને હાયપોટેન્શન (Low BP) કહેવામાં આવે છે. હાઈ બીપીના જોખમ તો સૌને જાણીતા છે, પરંતુ ઓછી જાણકારી હોવાના કારણે લોકો લો બીપીના લક્ષણોને અવગણતા હોય છે – જે જીવલેણ સાબિત થઈ શકે છે.
લક્ષણો જે ધ્યાને લેવા જેવા છે:
અચાનક ચક્કર આવવા
બેભાન થવાં
ધૂંધળી દ્રષ્ટિ
ઝડપી શ્વાસ
થાક, નબળાઈ
ત્વચા પીળી અથવા સફેદ થવી
પલ્સ નબળી થવી
પેશાબ ઓછું થવું
આ લક્ષણો દેખાતાં તરત તબીબી સહાય લેવી અગત્યની છે. ખાસ કરીને યુવાનોમાં આવા લક્ષણો સામાન્ય માનવામાં આવતા હોવાથી અવગણના થતા હોવાના કારણે મુશ્કેલી વધી શકે છે.
અભ્યાસોમાં સામે આવ્યાં ચોંકાવનારા તથ્યો
એક રિસર્ચ અનુસાર, હાઈ બીપીના કારણે જેવું જોખમ હોય છે એટલું જ નહીં, પણ લો બીપી પણ સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યૂર જેવા ગંભીર પરિસ્થિતિઓનું કારણ બની શકે છે. ખાસ કરીને વૃદ્ધો, ધૂમ્રપાન કરનારાઓ અને હાર્ટ કે કેન્સર પીડિતો માટે એ વધુ જોખમભર્યું હોય છે.
સલાહ: નિયમિત ચકાસણી અને જીવલેણ અવગણનાથી બચો
શરીરમાં થતી નાની-નાની બદલાવને જો અવગણવામાં આવે તો તે મોટું જોખમ બની શકે છે. એટલેથી, પોતાનું બ્લડ પ્રેશર નિયમિત રીતે ચકાસવું, યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવવી અને તબીબની સલાહ મુજબ સારવાર લેવી અનિવાર્ય છે.
માત્ર હાઈ બીપી નહીં, પણ લો બીપી પણ હૃદયને ખતમ કરી શકે છે. શેફાલી જરીવાલાની ઘટનાએ આરોગ્ય અંગે સચેત રહેવાની તાકીદ આપી છે.