ગાજવીજ અને જોરદાર પવન સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં ફરીથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગઈકાલ રાતથી શરૂ થયેલ ધોધમાર વરસાદ આજે વહેલી સવારથી પણ યથાવત રહ્યો છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ટૂંકાગાળાની ગંભીર ચેતવણી જાહેર કરી છે.
બપોરે રેડ એલર્ટ હેઠળ આવશે ચાર જિલ્લા
હવામાન વિભાગે રવિવારના બપોરે 1 થી સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળામાં ચાર મુખ્ય જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ સાથે વીજળી ચમકવાની શક્યતા દર્શાવાઈ છે. આ વિસ્તારોમાં પવનની ઝડપ પણ નોંધપાત્ર રહેશે.
ઓરેન્જ એલર્ટ હેઠળ આવેલા વિસ્તારો
રાજ્યના અન્ય 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ નો સમાવેશ થાય છે. અહીં મધ્યમ વરસાદ સાથે વીજળી અને ગાજવીજની શક્યતા છે.
ઉપરોક્ત વિસ્તારોથી બહારના જિલ્લા માટે યલો એલર્ટ જારી કરાયું છે, જ્યાં હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવાઈ છે. આજે સવારે શરૂ થયેલા વરસાદના કારણે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં પાણી ભરાવાની અને ટ્રાફિક અવરોધની પરિસ્થિતિ જોવા મળી છે.
આવનારા કલાકો અત્યંત નિર્ણાયક
મોસમવિભાગે લોકોને અનિવાર્ય બહાર ના નીકળવા, સુરક્ષિત સ્થળે રહેવા અને સ્થાનિક વહીવટી તંત્રના સૂચનોનું પાલન કરવાની અપીલ કરી છે. હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા છે.