ચાર સિસ્ટમ સાથે અતિભારે વરસાદનો ખતરો!
બંગાળની ખાડીમાં સર્જાયેલી મોસમી ગતિવિધિ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. આ સિસ્ટમ 28 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહી છે. હવામાન વિભાગ મુજબ, હાલ તે છત્તીસગઢ અને ઝારખંડ વિસ્તારમાં છે અને આગામી 24 કલાકમાં પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચે તેવી શક્યતા છે. તે પછી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાત માટે આગાહી છે ગંભીર
વિવિધ હવામાન મોડલ મુજબ, શનિવારથી મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, મહીસાગર, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠામાં આ સિસ્ટમની ગંભીર અસર દેખાઈ શકે છે.

28 જુલાઈ સુધી આ વિસ્તારોમાં 3થી 12 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. જ્યારે જીએફએસ મોડલ મુજબ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને બનાસકાંઠામાં 5 ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના છે. ત્રણેય મોડલ તોફાની વરસાદ તરફ ઈશારો કરી રહ્યા છે.
છેલ્લાં 12 કલાકમાં સિસ્ટમે બદલી દિશા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ દોરી રહી હતી. પરંતુ છેલ્લા 12 કલાકમાં તેનો ટ્રેક બદલાઈ ગુજરાત તરફ વળી ગયો છે. જો આવું જ ચાલ્યું અને દિશા યથાવત રહી, તો આગામી 36 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

આગામી સાત દિવસ રહેશે સિસ્ટમથી પ્રભાવિત
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ચાર જુદી જુદી સિસ્ટમ સક્રિય હોવાથી સમગ્ર રાજ્યમાં 29 જુલાઈ સુધી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સતત વરસાદની સ્થિતિ રહેશે.
વિશિષ્ટ આગાહી મુજબ આજેથી જ આગોતરી સાવચેતીની જરૂર છે. નદીઓ, નાળાઓ અને તળાવોની નજીક રહેતા લોકોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્રએ ઈમરજન્સી વ્યવસ્થાઓ સક્રિય કરી છે.

