દૂધની થેલી પર પ્રિન્ટ કરેલા ભાવ કરતાં ૨ થી ૩ રૂપિયા વધુની વસુલાત
દિવાળીનુ પર્વ નજીક આવી રહ્યુ છે ત્યારે દર સાલની જેમ આ વખતે પણ ગ્રાહકો છેતરાય નહિ તેનુ ધ્યાન રાખવાની જવાબદારી તોલમાપ તંત્રની છે, પણ ક્ચ્છમા જણે અંધેર રાજ ચાલતુ હોય તેમ કોઇ પુછવાવાળુ નથી. દુધની થેલી હોય કે ખાણી-પીણીની કોઇપણ ચીજ્વસ્તુ હોય વેપારીઓ તેના નિયત કરેલા ભાવ કરતા ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસુલી રહ્યા છે, અને જવાબદાર તોલમાપ તંત્ર તમાશો જોઇ રહ્યુ છે.
વેપારીઓ પાસે રહેલા વજનકાંટા યોગ્ય છે કે નહીં, ચીજવસ્તુઓના ભાવ વ્યાજબી લેવાય છે કે કેમ? તે સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવાની જવાબદારી તોલમાપ તંત્રની છે, પરંતુ કચ્છમાં એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલવા સહિતના મામલે ક્યાંય તંત્રની હાજરી દેખાતી નથી.
થિયેટર હોય કે બજાર કોઇના પર ભાવ મામલે અંકુશ નહીં
MRP કરતાં વધુ ભાવ લેવાતા હોવાની રાવ તો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. ખાસ કરીને થિયેટરોમાં ખાણી-પીણીની વસ્તુઓના ભાવ દોઢગણા લેવામાં આવે છે. પ્રેક્ષકોને બહારથી કોઈ વસ્તુ લાવવાની મનાઈ હોવાથી તેમણે ઇન્ટરવલમાં ફરજિયાતપણે થિયેટરમાંથી મોંઘાભાવના ખાદ્યપદાર્થો ખરીદવા પડે છે આમ, ગ્રાહકો લૂંટાઇ રહ્યા છે. આ ઉપરાંત બજારોમાં પણ દૂધની થેલી પર પ્રિન્ટ કરેલા ભાવ કરતાં ૨ થી ૩ રૂપિયા વધુ લેવાય છે, જો ગ્રાહક દુકાનદારને રજૂઆત કરે તો કહેવાય છે કે, અમને કંપની તરફથી કમિશન ઓછું મળે છે.
કચ્છમાં તોલમાપ કચેરીમાં સ્ટાફની પણ ઘટ
આ ઉપરાંત અન્ય ખાદ્યપદાર્થોના ભાવ પણ દોઢગણા કે તેથી વધુ વસૂલવામાં આવે છે. તે અંગેની ચકાસણી કરવાની જવાબદારી તોલમાપ તંત્રની છે, પરંતુ નવાઈની વાત એ છે કે તોલમાપ કચેરીના જવાબદાર અધિકારી મોટા ભાગે કચ્છથી બહાર જ રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છમાં તોલમાપ કચેરીમાં સ્ટાફની પણ ઘટ હોવાથી તેની ભરતી કરવામાં આવે તો પણ કામગીરીમાં ઝડપ આવી શકે તેમ છે.