હિન્દી દિવસ: શા માટે ૧૪ સપ્ટેમ્બર?
આજે, ૧૪ સપ્ટેમ્બરના રોજ, આખો દેશ હિન્દી દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ દિવસની ઉજવણી પાછળ એક ખાસ કારણ છે. ભારત એક એવો દેશ છે જ્યાં ઘણી ભાષાઓ બોલાય છે અને દરેક ભાષાનું પોતાનું મહત્વ છે. પરંતુ હિન્દી ભાષા શરૂઆતથી જ ભારતની ઓળખ રહી છે અને તે આપણી સત્તાવાર ભાષા પણ છે. હિન્દીના મહત્વ અને ઉપયોગિતાને દર્શાવવા માટે દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
૧૪ સપ્ટેમ્બર જ કેમ?
૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ, બંધારણ સભાએ હિન્દીને દેવનાગરી લિપિ સાથે ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી. આ ઐતિહાસિક નિર્ણયની યાદમાં, ૧૯૫૩થી આ દિવસને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. આ દિવસ આપણને આપણી માતૃભાષા પ્રત્યે આદર અને ગૌરવની ભાવના દર્શાવવાનો અવસર આપે છે. તે હિન્દીના મહત્વ અને ઉપયોગિતા પર ભાર મૂકે છે.
વિશ્વ હિન્દી દિવસ અને હિન્દી દિવસ વચ્ચેનો તફાવત
ઘણા લોકો હિન્દી દિવસની ઉજવણીની તારીખોને લઈને મૂંઝવણમાં હોય છે, કારણ કે વર્ષમાં બે વખત હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રીય હિન્દી દિવસ: ૧૪ સપ્ટેમ્બરના રોજ ભારતમાં ઉજવવામાં આવે છે.
વિશ્વ હિન્દી દિવસ: ૧૦ જાન્યુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
૧૦ જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાનું કારણ એ છે કે ૧૯૭૫માં આ દિવસે નાગપુરમાં પ્રથમ વિશ્વ હિન્દી પરિષદનું આયોજન થયું હતું. હિન્દીને વૈશ્વિક માન્યતા અને સન્માન આપવા માટે, ૨૦૦૬થી દર વર્ષે ૧૦ જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસો દરમિયાન હિન્દીમાં ભાષણ આપીને આ ભાષાને વૈશ્વિક સ્તરે વધુ પ્રોત્સાહન આપ્યું
હિન્દીનું મહત્વ
હિન્દી એ ફક્ત એક ભાષા નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને ઓળખનું પ્રતીક છે. તે દેશને એકતાના તાંતણે બાંધવાનું કામ કરે છે. હિન્દી દિવસની ઉજવણી માત્ર હિન્દી ભાષાના પ્રચાર માટે નથી, પરંતુ તે આપણી રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે પણ જરૂરી છે. આ દિવસે, વિવિધ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં હિન્દીના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.