સંસદના સત્ર કેટલાં પ્રકારના હોય છે અને તે કેવી રીતે બોલાવવામાં આવે છે? જાણો ચોમાસુ સત્ર 2025 સાથે સંબંધિત વિગતો
સંસદનું ચોમાસુ સત્ર 2025 આજથી, 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે અને તે 21 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં મોદી સરકાર કુલ 16 બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે, જેમાંથી 8 બિલ નવા હશે. પરંતુ શું તમે જાણો છો કે સંસદના કેટલાં પ્રકારના સત્ર હોય છે અને તે કેવી રીતે બોલાવવામાં આવે છે?
ભારતના સંસદીય બંધારણ મુજબ વર્ષ દરમિયાન સંસદના મુખ્યત્વે ત્રણ પ્રકારના સત્રો બોલાવવામાં આવે છે:
- બજેટ સત્ર
- ચોમાસુ સત્ર
- શિયાળુ સત્ર
બજેટ સત્ર સામાન્ય રીતે ફેબ્રુઆરીથી મે સુધી ચાલી શકે છે. આ સૌથી લાંબું સત્ર હોય છે, જેમાં નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ થાય છે અને નાણાકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થાય છે.
ચોમાસુ સત્ર જુલાઈથી ઓગસ્ટ/સપ્ટેમ્બર દરમ્યાન આયોજીત થાય છે. તેમાં વિવિધ બિલ રજૂ થાય છે અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થાય છે.
શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન આયોજીત થાય છે. આમાં કાયદાકીય બાબતો, સરકારી નીતિઓ અને વિપક્ષના મુદ્દાઓ પર ચર્ચા થાય છે.
આ સિવાય, જરૂર પડે ત્યારે ખાસ સત્ર પણ બોલાવી શકાય છે. આવું ખાસ સત્ર રાષ્ટ્રીય સુરક્ષા, અપરાહત કટોકટી કે અન્ય કોઈ અનિવાર્ય પરિસ્થિતિમાં બોલાવવામાં આવે છે.
સત્ર બોલાવવાની પ્રક્રિયા શું છે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 85 મુજબ, સંસદનું સત્ર બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. પરંતુ રાષ્ટ્રપતિ આ નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ પરથી લે છે. મંત્રીમંડળ સંસદીય બાબતોના મંત્રાલય સાથે સલાહ બાદ નક્કી કરે છે. ત્યારબાદ લોકસભા અને રાજ્યસભાના સચિવાલયોને જાણ કરવામાં આવે છે અને તેઓ તમામ સાંસદોને સમન્સ મોકલે છે.
સત્ર શરૂ થયા પછી, ગૃહની કાર્યવાહીનું સંચાલન લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના ઉપપ્રમુખ દ્વારા થાય છે. બંધારણ મુજબ, વર્ષમાં ઓછામાં ઓછું બે વખત સંસદનું સત્ર બોલાવવું આવશ્યક છે અને બે સત્રો વચ્ચે છ મહિના કરતાં વધુનો વિરામ ન હોવો જોઈએ.