હ્યુન્ડાઈની આ SUVએ વધારી Tata Nexonની ચિંતા: સેફ્ટીમાં મળ્યા 5-સ્ટાર, 65થી વધુ સુરક્ષા ફીચર્સથી સજ્જ
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સેફ્ટી (સુરક્ષા) હવે ગ્રાહકો માટે પ્રાથમિકતા બની ગઈ છે. આ રેસમાં હ્યુન્ડાઈની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ SUV ‘વેન્યુ’ (Venue) એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં થયેલા Bharat NCAP ક્રશ ટેસ્ટમાં Hyundai Venue અને Venue N Line ને શાનદાર 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. આ રેટિંગ મળતાની સાથે જ તેણે પોતાની હરીફ એવી ટાટા નેક્સન અને કિયા સોનેટ જેવી ગાડીઓ સામે મજબૂત પકડ જમાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પોતે કંપનીના અધિકારીઓને આ સુરક્ષા પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.
એડલ્ટ અને ચાઈલ્ડ સેફ્ટીમાં દમદાર સ્કોર
હ્યુન્ડાઈ વેન્યુએ મોટા માણસો (Adult) અને બાળકો (Child) બંનેની સુરક્ષાના મામલે શાનદાર પ્રદર્શન કર્યું છે. એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં આ ગાડીએ 32માંથી 31.14 જેટલો ઊંચો સ્કોર મેળવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, વેન્યુને ગ્લોબલ K1 પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, જેમાં અલ્ટ્રા હાઈ સ્ટ્રેન્થ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મજબૂત બોડી સ્ટ્રક્ચર અકસ્માત સમયે મુસાફરોને ગંભીર ઈજાઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. બાળકોની સુરક્ષાની વાત કરીએ તો, તેણે 49માંથી 44.46 અંક મેળવીને પોતાની વિશ્વસનીયતા સાબિત કરી છે.
65થી વધુ એડવાન્સ સેફ્ટી ફીચર્સ
હ્યુન્ડાઈએ આ SUVમાં સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખ્યો છે. વેન્યુ રેન્જમાં કુલ 65થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાંથી 33 ફીચર્સ તો બેઝ વેરિઅન્ટથી જ સ્ટાન્ડર્ડ તરીકે મળે છે. તેમાં મુખ્યત્વે આ ફીચર્સનો સમાવેશ થાય છે:
- 6 એરબેગ્સ (તમામ વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ).
- ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ.
- ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS).
- ચારેય વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક અને તમામ સીટો માટે 3-પોઈન્ટ સીટ બેલ્ટ.
- અકસ્માત બાદ ઓટો ડોર અનલોક સુવિધા.
લેવલ-2 ADAS ટેકનોલોજીથી સજ્જ
વેન્યુની સૌથી મોટી ખાસિયત તેની લેવલ-2 ADAS (એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) ટેકનોલોજી છે. હ્યુન્ડાઈ સ્માર્ટસેન્સ હેઠળ તેમાં 21 જેટલા એડવાન્સ ફીચર્સ મળે છે, જે ડ્રાઈવિંગને સુરક્ષિત અને સરળ બનાવે છે. આ સિવાય સરાઉન્ડ વ્યુ મોનિટર અને બ્લાઈન્ડ વ્યુ મોનિટર જેવા હાઈ-ટેક ફીચર્સ ડ્રાઈવરને આસપાસના ટ્રાફિક પર નજર રાખવામાં મદદ કરે છે. જો તમે તમારા પરિવાર માટે એક સુરક્ષિત અને ફીચર્સથી ભરપૂર SUV શોધી રહ્યા હોવ, તો હ્યુન્ડાઈ વેન્યુ હવે એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

