હ્યુન્ડાઈનો માસ્ટરપ્લાન: ભારતમાં લોન્ચ થશે બે નવી પાવરફુલ SUV, ટાટા અને મારુતિના માર્કેટમાં મચશે ખળભળાટ!
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (Hyundai Motor India) એ કમર કસી લીધી છે. કંપનીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેઓ ચાલુ નાણાકીય વર્ષમાં ભારત માટે બે નવી શાનદાર SUV મોડલ્સ લોન્ચ કરવા જઈ રહી છે. આ જાહેરાત બાદ ટાટા નેક્સન EV અને મારુતિ ગ્રાન્ડ વિટારા જેવી લોકપ્રિય ગાડીઓની ચિંતા વધી શકે તેમ છે.
હ્યુન્ડાઈના CEO તરુણ ગર્ગે FY2025-2026 ના ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન દરમિયાન જણાવ્યું હતું કે, કંપનીનું લક્ષ્ય મિડ-સાઇઝ SUV અને કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાનું છે.
1. હ્યુન્ડાઈની નવી મિડ-સાઇઝ SUV (બેયોન પર આધારિત)
મીડિયા રિપોર્ટ્સ અને કંપનીની યોજના મુજબ, હ્યુન્ડાઈ એક નવી મિડ-સાઇઝ SUV લાવી રહી છે જે વૈશ્વિક સ્તરે વેચાતી ‘બેયોન’ (Bayon) પર આધારિત હશે.
ડિઝાઇન અને કદ: યુરોપિયન માર્કેટમાં વેચાતી બેયોન લંબાઈમાં 4,180 મીમી, પહોળાઈમાં 1,775 મીમી અને 1,500 મીમીની ઊંચાઈ ધરાવે છે. તેનો વ્હીલબેઝ 2,580 મીમી છે, જે તેને રસ્તા પર સ્થિરતા અને અંદરની તરફ સારી જગ્યા આપે છે.
બજારમાં સ્થાન: આ નવી SUV હ્યુન્ડાઈ ક્રેટાની સાથે જ વેચવામાં આવશે. હ્યુન્ડાઈ અહીં મારુતિ સુઝુકી જેવી જ વ્યૂહરચના અપનાવી રહી છે, જ્યાં એક જ સેગમેન્ટમાં ગ્રાહકોને એકથી વધુ વિકલ્પો મળે.
કોની સાથે સ્પર્ધા? અગાઉ એવી ચર્ચા હતી કે આ ગાડી મારુતિ ફ્રોન્ક્સને ટક્કર આપશે, પરંતુ હવે એવું લાગે છે કે હ્યુન્ડાઈ તેને કિયા સેલ્ટોસ, મારુતિ ગ્રાન્ડ વિટારા, ટોયોટા હાઈરાઈડર, હોન્ડા એલિવેટ અને ટાટા સિએરા જેવી દિગ્ગજ ગાડીઓની સામે મેદાનમાં ઉતારશે.
2. હ્યુન્ડાઈની નવી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV (કો ડનેમ: HE1i)
EV સેગમેન્ટમાં ટાટા મોટર્સના એકહથ્થુ શાસનને પડકારવા માટે હ્યુન્ડાઈ ‘HE1i’ કોડનેમ ધરાવતી એક નવી ઇલેક્ટ્રિક SUV પર કામ કરી રહી છે. આ ગાડી હ્યુન્ડાઈની વૈશ્વિક ‘ઇન્સ્ટર EV’ (Inster EV) પર આધારિત હોઈ શકે છે.
પાવરફુલ પ્લેટફોર્મ: આ SUV પ્રખ્યાત E-GMP પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, જે 800V હાઈ-સ્પીડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ પ્લેટફોર્મની ખાસિયત એ છે કે તે માત્ર ઝડપી ચાર્જિંગ જ નહીં પણ વધુ રેન્જ આપવામાં પણ મદદરૂપ થાય છે.
બેટરી અને રેન્જ: આંતરરાષ્ટ્રીય બજારોમાં ઇન્સ્ટર EV બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – 42kWh (સ્ટાન્ડર્ડ રેન્જ – 300 કિમી) અને 49kWh (લોન્ગ રેન્જ – 355 કિમી). જોકે, ભારત માટેના મોડલમાં કંપની 500 કિમીથી વધુની ડ્રાઇવિંગ રેન્જ આપવાનો પ્રયાસ કરી શકે છે.
કોની સામે ટક્કર? હ્યુન્ડાઈની આ ઇલેક્ટ્રિક SUV સીધી રીતે ટાટા નેક્સન EV અને આગામી મહિન્દ્રા XUV 3XO EV ને જોરદાર ટક્કર આપશે.
ભારતીય બજાર માટે હ્યુન્ડાઈની રણનીતિ
હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા આ નવા મોડલ્સ દ્વારા તે ગ્રાહકોને આકર્ષવા માંગે છે જેઓ પ્રીમિયમ ફીચર્સ, આધુનિક ટેકનોલોજી અને ભરોસાપાત્ર એન્જિન ઈચ્છે છે. આ બંને ગાડીઓ નવા નામ અને બિલકુલ નવી સ્ટાઈલ સાથે બજારમાં આવશે.

