પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થયેલા ખેલાડીઓના નામોની ઘોષણા, લિસ્ટમાં ટીમ ઇન્ડિયાની સ્ટાર પ્લેયરનું પણ નામ
ICCએ ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથમાં નોમિનેટ થનારા ખેલાડીઓની યાદી જાહેર કરી છે, જેમાં પુરુષોના નોમિનેશનમાં એક પણ ભારતીય ખેલાડી નથી, પરંતુ મહિલા નોમિનેશનમાં ટીમ ઇન્ડિયાની સ્ટાર પ્લેયરનું નામ જરૂર સામેલ છે.
ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025 સમાપ્ત થયા બાદ, ઓક્ટોબર મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને લઈને પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થનારા ખેલાડીઓના નામની ઘોષણા કરવામાં આવી છે. ICCએ મહિલાઓની સાથે પુરુષ કેટેગરીમાં પણ પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થનારા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.
મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025માં ઘણા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં જે ત્રણ ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા છે, તેમાં એક નામ ભારતીય મહિલા ટીમની સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાનું પણ સામેલ છે.

મહિલા કેટેગરી: મંધાનાએ બનાવ્યા 400થી વધુ રન
સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમને ICC મહિલા વન-ડે વર્લ્ડ કપનો ખિતાબ જીતવવામાં બેટિંગ દ્વારા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી.
- સ્મૃતિ મંધાના: મંધાનાએ 9 મેચોમાં 54.25ની એવરેજથી બેટિંગ કરતા કુલ 434 રન બનાવ્યા હતા, જેમાં એક સદીની ઇનિંગ પણ જોવા મળી હતી. મંધાના આ વર્ષે એકવાર આ એવોર્ડ જીતવામાં સફળ રહી છે, અને હવે બીજીવાર તેમને આ એવોર્ડ જીતવાની તક મળી છે.
મંધાના ઉપરાંત અન્ય 2 પ્લેયર્સ જેમને ICC દ્વારા ઓક્ટોબર મહિના માટે મહિલા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, તેમાં દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ્ટ અને ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનરનું નામ સામેલ છે.
- લૌરા વોલ્વાર્ડ્ટ: મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ 571 રન બનાવનાર પ્લેયર રહી.
- એશ્લે ગાર્ડનર: બેટિંગથી 328 રન બનાવવામાં સફળ રહી હતી.

પુરુષ કેટેગરી: આ ત્રણ પ્લેયર્સને કરાયા નોમિનેટ
ઓક્ટોબર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરાયેલા પ્લેયર્સની યાદી જોવામાં આવે તો તેમાં દક્ષિણ આફ્રિકાની ટીમના ડાબોડી સ્પિનર સેનુરન મુથુસામી, પાકિસ્તાનના નૌમાન અલી અને અફઘાનિસ્તાનના રાશિદ ખાનનું નામ સામેલ છે.
| ખેલાડીનું નામ | ટીમ | ઓક્ટોબર મહિનામાં પ્રદર્શન |
| સેનુરન મુથુસામી | દક્ષિણ આફ્રિકા | પાકિસ્તાન પ્રવાસ પર 2 ટેસ્ટ મેચોમાં 11 વિકેટ અને 106 રનનું યોગદાન. |
| નૌમાન અલી | પાકિસ્તાન | આફ્રિકા સામેની શ્રેણીમાં કુલ 14 વિકેટો ઝડપી. |
| રાશિદ ખાન | અફઘાનિસ્તાન | T20માં 9 વિકેટ અને વન-ડેમાં 11 વિકેટ સહિત શાનદાર પ્રદર્શન. |
