સિકંદર રઝાએ ટોચનું સ્થાન હાંસલ કર્યું, ICCની નવી વનડે રેન્કિંગ્સ જાહેર
આઈસીસીએ તાજેતરમાં વનડે રેન્કિંગ્સ જાહેર કરી છે, જેમાં ઝિમ્બાબ્વેના સ્ટાર ક્રિકેટર સિકંદર રઝાએ એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. દમદાર ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે રઝા હવે વનડે ક્રિકેટમાં વિશ્વના નંબર-વન ઓલરાઉન્ડર બની ગયા છે. તેમણે અફઘાનિસ્તાનના ખેલાડી અઝમતુલ્લાહ ઉમરઝાઈને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે.
રઝાનું શાનદાર પ્રદર્શન
તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી વનડે સિરીઝમાં સિકંદર રઝાએ બેટ અને બોલ બંનેથી કમાલ કરી. પહેલી મેચમાં તેમણે શાનદાર 92 રનની ઇનિંગ રમી, જ્યારે બીજી વનડેમાં 55 બોલમાં અણનમ 59 રન બનાવ્યા. બોલિંગમાં પણ તેમણે સારી લય બતાવી. જોકે, તેમના પ્રયાસો છતાં ઝિમ્બાબ્વેને સિરીઝમાં 2-0 થી હારનો સામનો કરવો પડ્યો.
રેન્કિંગમાં મોટો ફેરફાર
રઝાના શાનદાર પ્રદર્શનનો ફાયદો તેમને આઈસીસી રેન્કિંગમાં મળ્યો. તેમણે 302 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે, અત્યાર સુધી નંબર-વન ઓલરાઉન્ડર રહેલા અઝમતુલ્લાહ ઉમરઝાઈ 296 અંકો સાથે બીજા ક્રમે સરકી ગયા. અફઘાનિસ્તાનના જ મોહમ્મદ નબીને પણ એક સ્થાનનું નુકસાન થયું અને તેઓ 292 અંકો સાથે ત્રીજા સ્થાને આવી ગયા.
ભારત તરફથી ફક્ત રવીન્દ્ર જાડેજા જ ટોપ-10 ઓલરાઉન્ડર્સની યાદીમાં શામેલ છે. જાડેજા હાલમાં 220 અંકો સાથે નવમાં ક્રમે છે.
બેટ્સમેનોની રેન્કિંગમાં પાથુમ નિશંકાનો ફાયદો
શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન પાથુમ નિશંકાએ પણ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ઉત્તમ રમત બતાવી. પહેલી વનડેમાં તેમણે 122 રન બનાવ્યા અને બીજી મેચમાં પણ 76 રનની ઇનિંગ રમી. આ પ્રદર્શનને કારણે નિશંકાને 7 સ્થાનનો ફાયદો મળ્યો અને તેઓ બેટ્સમેનોની રેન્કિંગમાં હવે 13મા નંબર પર પહોંચી ગયા છે.
New No.1 👀
More as a Zimbabwe all-rounder stands at the top of the latest ICC ODI rankings ⬇️https://t.co/73Dg25vySJ
— ICC (@ICC) September 3, 2025
બોલરોમાં કેશવ મહારાજનો દબદબો યથાવત
દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ વનડે ક્રિકેટમાં હજુ પણ નંબર-વન બોલર બન્યા રહ્યા છે. ઇંગ્લેન્ડ સામે પહેલી વનડેમાં શાનદાર બોલિંગ કર્યા બાદ તેમના 690 રેટિંગ પોઈન્ટ્સ થઈ ગયા છે. શ્રીલંકાના મહેશ તીક્ષણા 659 અંકો સાથે બીજા સ્થાને છે.
આઈસીસીની આ તાજા રેન્કિંગથી સ્પષ્ટ છે કે સિકંદર રઝાએ માત્ર ઝિમ્બાબ્વે ક્રિકેટ માટે મોટું નામ કમાવ્યું નથી, પરંતુ પોતાને વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં પણ શામેલ કરાવ્યા છે.