IMD Weather Alert દેશના ૨૦ રાજ્યોમાં આકરા વાવાઝોડા સાથે મુશળધાર વરસાદનું સંકટ: હવામાન વિભાગે ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આપી ગંભીર ચેતવણી
IMD Weather Alert દેશભરમાં ચોમાસુ ફરી એકવાર ભયાનક રૂ૫ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૧ સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને ગુજરાત સહિત દેશના ૨૦ થી વધુ રાજ્યોમાં અત્યંત ભારે વરસાદ, કરા અને તીવ્ર વાવાઝોડાની કડક ચેતવણી જારી કરી છે. હવામાન ક્ષેત્રે સક્રિય થયેલી નવી સિસ્ટમ્સના કારણે આ વિસ્તારોમાં ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે. હવામાન વિભાગે પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલનની તો પૂર્વીય અને દરિયાકાંઠાના રાજ્યોમાં વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરીને સામાન્ય નાગરિકો અને ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરી છે.
બંગાળની ખાડી અને યુપીમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે એક શક્તિશાળી ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) આકાર લઈ રહ્યું છે. આ ઉપરાંત પૂર્વીય ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સમાન પ્રકારની હવામાન પ્રણાલી વિકસિત થઈ છે. આ બેવડી સિસ્ટમના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજયુક્ત પવનો દેશના આંતરિક ભાગો તરફ ધકેલાઈ રહ્યા છે, જે આગામી બે થી ત્રણ દિવસ સુધી ભારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
દેશના ૨૦ રાજ્યોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ
હવામાન વિભાગે દેશના ૨૦ રાજ્યો માટે વિશેષ સાવચેતી બુલેટિન જારી કર્યું છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા અને મેઘાલયનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં ભારે વરસાદની સાથે ૭૦ કિમી પ્રતિ કલાક સુધીની ગતિએ તોફાની પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનના કારણે ઊભા પાકને નુકસાન થવાની અને કાચા મકાનો કે વૃક્ષો ધરાશાયી થવાની ભયી સેવાઈ રહી છે.

રાજ્યવાર હવામાનની સ્થિતિ અને તાપમાનનો અંદાજ
દિલ્હી-એનસીઆર: રાજધાની દિલ્હીમાં ૧ સપ્ટેમ્બરની સાંજથી ૩ સપ્ટેમ્બર સુધી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની ચેતવણી છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશ અને બિહાર: યુપીના લખનૌ, કાનપુર, અયોધ્યા, મેરઠ, બનારસ અને ગાઝિયાબાદ સહિત ૩૦થી વધુ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની સંભાવના છે. પટના, ગયા, ભાગલપુર અને પૂર્ણિયા સહિત સમગ્ર બિહારમાં ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

પર્વતીય રાજ્યો (ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર): દેહરાદૂન, નૈનિતાલ, શિમલા, મનાલી અને શ્રીનગર જેવા પ્રવાસન સ્થળોએ ભૂસ્ખલન (Landslides) અને વાદળ ફાટવા જેવી ઘટનાઓની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને ગીચ જંગલો કે પર્વતીય રસ્તાઓ પર મુસાફરી ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે.
પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ: પંજાબના અમૃતસર અને લુધિયાણા, રાજસ્થાનના જયપુર, ઉદયપુર અને કોટા તેમજ મધ્યપ્રદેશના ભોપાલ અને ગ્વાલિયર સહિતના મોટા ભાગોમાં વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
તકેદારી અને સુરક્ષાના મહત્વના પગલાં
દરિયામાં સર્જાયેલા તોફાની વાતાવરણને કારણે માછીમારોને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા-બંગાળના દરિયાકાંઠે ન જવાની કડક સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને વીજળીના થાંભલા, મોટા વૃક્ષો કે જૂની ઇમારતો નીચે ઉભા ન રહેવા અને વાવાઝોડા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા વિનંતી કરી છે.
