નાણા રાજ્યમંત્રીએ સંસદમાં આપી માહિતી, નાના નોટો ઉપલબ્ધ કરાવવા RBIએ ATM નીતિમાં ફેરફાર સૂચવ્યો
મંગળવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે ₹500 ની નોટનો પુરવઠો બંધ કરવાનો કોઇ ઇરાદો નથી. રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબ આપતાં જણાવ્યું કે હાલમાં આવા કોઈ નિર્ણય પર વિચારણા થઈ રહી નથી અને ₹500 ની નોટનું ATM દ્વારા વિતરણ યથાવત રહેશે.
તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 28 એપ્રિલ, 2025ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં ખાસ કરીને બેંકો અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટર્સને સૂચના આપી છે કે તેઓ ATMમાં ₹100 અને ₹200 ની નોટોનો પુરતો સ્ટોક જાળવે. આ પગલાનું મુખ્ય ઉદ્દેશ નાના મૂલ્યની નોટોની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવું છે.

RBIની નવી માર્ગદર્શિકા અનુસાર
30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં દેશભરના 75% ATMમાં ઓછામાં ઓછો એક કેસેટ ₹100 કે ₹200 ની નોટો માટે રાખવો ફરજિયાત બનાવાશે. આ લક્ષ્ય 31 માર્ચ, 2026 સુધીમાં વધારીને 90% કરવામાં આવશે.
આ બેઠક દરમિયાન નાણા મંત્રાલય દ્વારા અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ રજૂ કરવામાં આવી હતી.
ખાસ કરીને SEBI દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રોકાણ છેતરપિંડીના 76 કેસની તપાસ કરવામાં આવી છે, જેમાં કુલ ₹949.43 કરોડની રકમ ‘ડિસગોર્જ’ કરવામાં આવી છે. એટલે કે ગેરકાયદેસર નફો સરકાર દ્વારા પાછો લેવાયો છે.
સાથે જ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ Enforcement Directorate (ED) દ્વારા જાન્યુઆરી 2020થી જુલાઈ 2025 દરમિયાન 220 જેટલા કેસોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ તમામ કેસો રોકાણ છેતરપિંડી અને મલ્ટી-લેવલ માર્કેટિંગથી સંબંધિત છે.

સરકારના જણાવ્યા મુજબ, હાલ દેશમાં ક્રિપ્ટોકરન્સી અથવા ડિજિટલ એસેટ્સને લગતી કોઈ સ્પષ્ટ કાનૂની વ્યવસ્થા નથી. તેમ છતાં RBI-SACHET પોર્ટલ પર અનધિકૃત રોકાણ યોજનાઓને લઈને હજારો ફરિયાદો મળી રહી છે, જેને લઇને તંત્ર સક્રિય છે.
