બાઇવારીવાંઢનાં ધિંગાણામાં ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજતાં બનાવ હત્યામાં ફેરવાયો
અબડાસા તાલુકાના બાઇવારીવાંઢ ગામે જમીનના મુદ્દે જત સમાજના બે જૂથો વચ્ચો લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. નલિયા પોલિસે રાયોટિંગના આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.
ખેતર પચાવી પાડવા મુદ્દે એક માસથી બંન્ને પક્ષે ચકમક ઝરતી હતી
બાઇવારીવાંઢમાં બે જુથ વચ્ચે થયેલી મારામારીમાં ૨૦થી વધુ લોકોને ઇજાઓ થઇ હતી.અને બંન્ને પક્ષે નલિયા પોલીસ સ્ટેશનમાં ૩૧ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. ખેતરને પચાવી પાડવા મુદ્દે એક ઇસમ દ્વારા નલિયા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હોવાથી એક મહિનાથી બંન્ને પક્ષ વચ્ચે ચકમક ઝરતી હતી. આ દરમ્યાન નલિયાથી૪૨ કિમી દુર આવેલા બાઇવારીવાંઢ ગામે જત સમુદાયના પરિવારો વચ્ચે તલવાર, કુહાડી, પાઇપ, લાકડીઓ તથા છુટ્ટા પથ્થરો વડે ધિંગાણું ખેલાયું હતું.
તલવારના હુમલાથી ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડાયો હતો
આ હિંસક ધિંગાણામાં તલવારના ઘા થી ગંભીર રીતે ઘવાયેલા ૫૫ વર્ષીય ભેગમામદ આમદ જતને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાનતેનું મોત નીપજતાં ભેગમામદના પુત્ર સુલેમાનની ફરિયાદના આધારે ૧૩ આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. જેમાં પોલીસે ગેરકાયદે મંડળી રચવી, હિંસક હથિયારો ધારણ કરી તથા પૂર્વ આયોજીત પડયંત્ર રચીને હુમલો કરવા સહિતની વિવિધ કલમો તળે બંન્ને પક્ષની ફરિયાદો લીધી હતી.