ભારતીય મૂળના એકાંશ સિંહે ભારત સામે ફટકારી શાનદાર સદી, વૈભવ સૂર્યવંશી નિષ્ફળ ગયો
ભારતીય અંડર-19 ટીમ અને ઇંગ્લેન્ડ અંડર-19 ટીમ વચ્ચે યૂથ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. આ શ્રેણીનો બીજો ટેસ્ટ ચેમ્સફોર્ડના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાઈ રહ્યો છે. બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ દરમિયાન ભારતીય મૂળના એકાંશ સિંહે ઇંગ્લેન્ડ માટે શાનદાર શતક ફટકાર્યું છે, જ્યારે ભારતીય ટીમના બેટ્સમેન વૈભવ સૂર્યવંશી બીજીવાર નિષ્ફળ ગયો છે.
ભારતીય ટીમના કેપ્ટન આયુષ મહાત્રેએ ટોસ જીતીને પહેલું બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં 309 રન બનાવ્યા હતા. એક સમયે ટીમે માત્ર 80 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને દબાણમાં હતી. પરંતુ છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલ ભારતીય મૂળના બેટ્સમેન એકાંશ સિંહે 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમણે 155 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શતક નોંધાવ્યું.
Ekansh Singh has a Youth Test 💯😮💨 pic.twitter.com/ETPMvPqprd
— Kent Cricket (@KentCricket) July 21, 2025
એકાંશ સિંહ થોડા દિવસો પહેલા, 16 જુલાઈ 2006ના રોજ 19 વર્ષના થયા છે. તેમનો જન્મ લંડનના ઓર્ફિંગ્ટનમાં થયો હતો. મે 2025માં તેમણે કેન્ટ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ગયા વર્ષ જુલાઈમાં કેન્ટ સાથે સત્તાવાર કરાર પણ કર્યો હતો.
ઇંગ્લેન્ડ માટે કેપ્ટન થોમસ રેવે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે 59 રન ફટકાર્યા હતા અને 1 છગ્ગા સાથે 8 ચોગ્ગા માર્યા હતા. ત્યારબાદ, નીચેના ક્રમે રમતા જેમ્સ મિન્ટોએ 46 રન બનાવ્યાં અને ટીમને મજબૂત સ્કોર તરફ લઈ ગયા. ભારત તરફથી નમન પુષ્પકે 17 ઓવરમાં 76 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આદિત્ય રાવત અને અંબરીશે 2-2 વિકેટ ઝડપી હતી.
ભારતની પ્રથમ ઇનિંગ સોમવારે શરૂ થઈ હતી. વૈભવ સૂર્યવંશીએ તીવ્ર શરૂઆત કરી હતી પરંતુ 14 બોલમાં 20 રન બનાવી આઉટ થઈ ગયો. તેમણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા દિવસના અંતે ભારતે 1 વિકેટના નુકસાન સાથે 51 રન બનાવી લીધા છે. કેપ્ટન આયુષ મ્હાત્રે 24 અને વિહાન મલ્હોત્રા 6 રન બનાવીને અણનમ છે. ચાર દિવસીય ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે અને મેચ રોમાંચક દિશામાં આગળ વધી રહી છે.