પુતિન પણ સેલ્ફી માટે ઝૂક્યા! કોણ છે કેરળનો 17 વર્ષનો AI યુવા ઉદ્યોગસાહસિક રાહુલ જ્હોન અજુ?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સેલ્ફી લેતો કેરળનો 17 વર્ષીય યુવાન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રાહુલ જ્હોન અજુ નામના આ યુવા AI ઉદ્યોગસાહસિકે પુતિન સાથેની બેઠક દરમિયાન આત્મવિશ્વાસપૂર્વક સેલ્ફી લેવાની વિનંતી કરી હતી. પુતિને પણ તેની વિનંતી સ્વીકારી અને ફોટો માટે તેની નજીક ઝૂક્યા. આ ક્ષણનો વીડિયો વાયરલ થતાં અજુની ઓળખ અને તેની ટેકનોલોજી ક્ષેત્રની સફર વિશે લોકોમાં ઉત્સુકતા વધી છે.
અજુ માત્ર એક વિદ્યાર્થી નથી, પરંતુ ‘થિંકક્રાફ્ટ’ (ThinkCraft) નામની AI ટેક કંપનીનો CEO પણ છે. નાની ઉંમરે ટેકનોલોજી ક્ષેત્રે કામ શરૂ કરનાર આ યુવાને પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસથી આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે.

નવ વર્ષની ઉંમરે વીડિયો બનાવ્યા, 12 વર્ષે રોબોટ અને હવે પુતિન સાથે મુલાકાત
રાહુલ જ્હોન અજુ કેરળના કોચીનો રહેવાસી છે. તે ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, AI ડેવલપર, ઉદ્યોગસાહસિક અને ટેકનોલોજી ક્ષેત્રનો કન્ટેન્ટ ક્રિએટર છે. તેને સોશિયલ મીડિયા પર ‘AI Kid of India’ તરીકે ઓળખવામાં આવે છે.
અજુની ટેકનોલોજી પ્રત્યેની રુચિ નાની ઉંમરથી જ શરૂ થઈ હતી. માત્ર નવ વર્ષની ઉંમરે તેણે પોતાના બાથરૂમમાં વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. તેના પિતાને Adobeમાં નોકરી મળ્યા બાદ અજુને પ્રોફેશનલ વીડિયો એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવાની તક મળી. આ અનુભવથી તેની ટેકનોલોજી પ્રત્યેની સમજ વધતી ગઈ અને પછી તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે શીખવાનું શરૂ કર્યું.
લગભગ 12 વર્ષની ઉંમરે તેણે શાળાના વિજ્ઞાન પ્રોજેક્ટ માટે ‘મીબોટ’ (MeBot) નામનો રોબોટ બનાવ્યો હતો. આ રોબોટ અવાજ દ્વારા લોકો સાથે વાતચીત કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારથી અજુએ AI આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કર્યું.
AIRealm Technologies અને ThinkCraft દ્વારા ટેકનોલોજીનું શિક્ષણ
અજુ AIRealm Technologies નામની ટેક કંપની સાથે જોડાયેલો છે, જ્યાં તે સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) તરીકે કાર્ય કરે છે. તેની કંપની AI આધારિત સાધનો અને શૈક્ષણિક પ્લેટફોર્મ વિકસાવે છે.તેના મુખ્ય પ્રોજેક્ટ્સમાં ‘ThinkCraft’નો સમાવેશ થાય છે. આ AI શિક્ષણ પ્લેટફોર્મનો હેતુ જટિલ AI વિષયોને સરળ અને રસપ્રદ રીતે સમજાવવાનો છે. તેમાં ટૂંકા પાઠ, પ્રાયોગિક પ્રવૃત્તિઓ અને ગેમ આધારિત શીખવાની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
અજુએ RESQ AI, JustEase, NyayaSathi અને Project 47X જેવા અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો માટે માહિતી અને સેવાઓ વધુ સરળ બનાવવાનો છે.અજુ ThinkCraft Academy દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કામકાજ કરતા લોકોને AIની તાલીમ પણ આપે છે. અહેવાલો અનુસાર, તેના કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ લોકોને AI અંગે તાલીમ આપવામાં આવી છે. તેની કંપનીમાં આશરે 15 કર્મચારીઓ કાર્યરત હોવાનું પણ જણાવાયું છે.
અજુના પિતા અજુ જોસેફ પણ તેની કંપની સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ Adobe સહિત વિવિધ ટેકનોલોજી કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. અહેવાલો અનુસાર, અજુ પોતાના પિતાને કંપનીમાં કામ કરવા બદલ દર મહિને બે લાખ રૂપિયાનો પગાર આપે છે.
17 साल की उम्र, बड़े AI इनोवेशन और दुनिया भर में पहचान!
भारतीय युवा राउल जॉन अजू के AI प्रोजेक्ट्स ने रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन का भी ध्यान खींचा। उन्होंने राउल के काम की सराहना करते हुए कहा कि यह प्रधानमंत्री @narendramodi के ‘मेक इन इंडिया’ के आह्वान को साकार करने में मदद करता है और युवाओं को अपने आइडिया से नए समाधान तैयार करने की प्रेरणा देता है।
युवा सोच, नए आविष्कार और आत्मनिर्भर भारत की नई उड़ान!
#MakeInIndia । #AIInnovation । #YoungInnovators
— MyGov Hindi (@MyGovHindi) November 27, 2026
પુતિન સાથે AI અને શિક્ષણ અંગે ચર્ચા
AI Journey 2026 દરમિયાન અજુને પુતિન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના શિક્ષણમાં ઉપયોગ અંગે વાત કરવાની તક મળી હતી. ચર્ચા દરમિયાન પુતિને પ્રશ્ન કર્યો હતો કે AI પર વધુ પડતી નિર્ભરતા ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે કે નહીં.
જવાબમાં અજુએ ગણિતમાં કેલ્ક્યુલેટરના ઉપયોગનું ઉદાહરણ આપ્યું હતું. તેના મતે, વિદ્યાર્થીઓએ પહેલાં વિષયના મૂળભૂત સિદ્ધાંતો સમજવા જોઈએ અને ત્યારબાદ AIનો ઉપયોગ શીખવો જોઈએ. તેણે AI દ્વારા મુશ્કેલ વિષયોને ઇન્ટરેક્ટિવ વીડિયો, ગેમ્સ અને વ્યક્તિગત શીખવાની પદ્ધતિઓથી સરળ બનાવવાની શક્યતાઓ પણ સમજાવી હતી.
ચર્ચાના અંતે પુતિને અજુના કામની પ્રશંસા કરી અને કહ્યું કે તેની પહેલ યુવાનોને પોતાની ટેકનોલોજી વિકસાવવા તથા ‘મેક ઇન ઇન્ડિયા’ના વિચારને આગળ વધારવામાં મદદરૂપ બની શકે છે.અજુ માટે પુતિન સાથેની સેલ્ફી માત્ર એક યાદગાર ફોટો નથી, પરંતુ બાળપણથી શરૂ થયેલી તેની ટેકનોલોજીની સફરનો એક મહત્વપૂર્ણ પડાવ છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે નવ વર્ષની ઉંમરે વીડિયો બનાવવાથી લઈને 17 વર્ષની ઉંમરે પુતિન સાથે મુલાકાત સુધીની સફર તેણે ક્યારેય કલ્પી નહોતી.
