AI નો યુગ પણ માણસોની અછત! ભારતમાં લાખો નોકરીઓ ખાલી, શું તમે તૈયાર છો?
આજના ડિજિટલ યુગમાં કંપનીઓ AI ને માત્ર પ્રયોગ તરીકે નહીં, પરંતુ તેમના વ્યવસાયના મુખ્ય હિસ્સા તરીકે અપનાવી રહી છે. જોકે, માનવ સંસાધન (HR) કન્સલ્ટિંગ કંપની ‘ ડિજિટલ’ (Randstad Digital) ની તાજેતરની રિપોર્ટ એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે લાવે છે. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં AI સોલ્યુશન્સ લીડ અને મશીન લર્નિંગ એન્જિનિયર જેવા મહત્વના હોદ્દાઓ માટે પૂરતા ઉમેદવારો મળી રહ્યા નથી.
રિપોર્ટના આંકડા જોઈએ તો, ભારતમાં AI સોલ્યુશન્સ લીડના ૧૦.૩% અને મશીન લર્નિંગ એન્જિનિયરના ૧૧.૨% પદો હજુ પણ ખાલી છે. નિષ્ણાતોના મતે, કોઈપણ ક્ષેત્રમાં જો ખાલી જગ્યાઓનો દર ૧૦% થી વધુ જાય, તો તેને ‘ટેલેન્ટની ગંભીર અછત’ ગણવામાં આવે છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર કેટલું મોટું છે.
વૈશ્વિક સ્તરે પણ સ્થિતિ ચિંતાજનક
માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. અમેરિકામાં AI સોલ્યુશન્સ લીડના ૨૭% અને બ્રિટનમાં ૧૮% પદો ખાલી પડ્યા છે. જોકે, સૌથી કપરી સ્થિતિ જાપાનની છે, જ્યાં AI એન્જિનિયરોના ૪૬.૮% પદો અને જનરેટિવ AI એન્જિનિયરોના ૨૫% પદો ખાલી છે. આ દર્શાવે છે કે ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ ગણાતા દેશો પણ AI પ્રતિભાઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ભારત: વૈશ્વિક AI જોબ્સનું બીજું સૌથી મોટું હબ
આ પડકારો વચ્ચે પણ ભારત માટે એક સકારાત્મક સમાચાર એ છે કે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું AI જોબ માર્કેટ બની ગયું છે. વિશ્વભરમાં AI ટેકનોલોજી સાથે જોડાયેલી લગભગ અડધી નોકરીઓ માત્ર અમેરિકા અને ભારતમાંથી જ નીકળે છે. અમેરિકા ૨૯% હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત ૨૦.૫% હિસ્સા સાથે બીજા ક્રમે છે.
ડિજિટલ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મિલિંદ શાહનું કહેવું છે કે, ભારતમાં પ્રતિભાઓની કોઈ કમી નથી, પરંતુ સમસ્યા ‘એડવાન્સ AI સ્કિલ્સ’ ધરાવતા પ્રોફેશનલ્સની છે. જે સ્તરનું કૌશલ્ય આધુનિક કંપનીઓને જોઈએ છે, તે મેળવવામાં હજુ ઘણો સમય અને તાલીમની જરૂર છે.
ભરતી પ્રક્રિયામાં વિલંબ અને પડકારો
AI ક્ષેત્રમાં નિષ્ણાતોની અછતને કારણે કંપનીઓની ભરતી પ્રક્રિયા પણ લાંબી થઈ ગઈ છે. ચાર વર્ષ પહેલા જે ભરતી પ્રક્રિયા સરેરાશ ૨૫ દિવસમાં પૂર્ણ થઈ જતી હતી, તે ૨૦૨૬માં વધીને ૫૩ દિવસ થઈ ગઈ છે. એટલે કે, કંપનીઓને યોગ્ય ઉમેદવાર શોધવામાં પહેલા કરતા બમણો સમય લાગે છે. આ વિલંબ સીધી રીતે પ્રોજેક્ટ્સ અને કંપનીની કાર્યક્ષમતાને અસર કરે છે.
AI સ્કિલ્સની માંગમાં ૬૬૦% નો અભૂતપૂર્વ ઉછાળો
રિપોર્ટમાં સૌથી મહત્વની વાત એ છે કે AI સ્કિલ્સ ધરાવતા ડેવલપર્સની માંગ ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૬ સુધીમાં ૬૬૦% થી વધુ વધી ગઈ છે. તેની સામે પરંપરાગત સોફ્ટવેર ડેવલપર્સની માંગમાં વધારો ખૂબ જ મર્યાદિત છે. આ સ્પષ્ટ સંકેત છે કે જે ડેવલપર્સ પોતાની જાતને AI અને મશીન લર્નિંગના માહોલ સાથે અપડેટ નહીં કરે, તેઓ સ્પર્ધામાં પાછળ રહી જશે.
યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની તક
નિષ્ણાતો માને છે કે આવનારા વર્ષોમાં AI અને મશીન લર્નિંગ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સની માંગ હજુ પણ વધવાની છે. જે યુવાનો આ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે, તેમણે માત્ર ડિગ્રી પર ધ્યાન આપવાને બદલે પ્રોક્ટિકલ AI સ્કિલ્સ જેવી કે ડેટા એનાલિસિસ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP), અને મશીન લર્નિંગ મોડલ્સ બનાવવાની તાલીમ લેવી જોઈએ.
આજના સમયમાં, જે રીતે શિક્ષણ અને રોજગારના માપદંડો બદલાઈ રહ્યા છે, તે જોતા સ્પષ્ટ છે કે જે વ્યક્તિ પાસે AI નું જ્ઞાન હશે, તેને રોજગારની તકો અને વેતન બંને સારા મળશે. ભારત માટે આ એક તક છે કે તે પોતાની વિશાળ યુવા વસ્તીને AI શિક્ષણ આપીને વૈશ્વિક AI ટેલેન્ટની રાજધાની બનાવી શકે.

