ભારત-જાપાનની મિત્રતા મજબૂત, જ્યારે પાકિસ્તાન-નેપાળે વિશ્વાસઘાત કર્યો! ચીનની લશ્કરી પરેડથી ભારતે અંતર રાખ્યું
ભારતના બે પડોશી દેશો, પાકિસ્તાન અને નેપાળ, જાપાનની વર્ષોની આર્થિક મદદ છતાં ચીનની વ્યૂહાત્મક ચાલમાં સામેલ થઈ ગયા છે. ચીન 3 સપ્ટેમ્બરે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારની 80મી વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય લશ્કરી પરેડનું આયોજન કરી રહ્યું છે. આ પરેડને ચીનના શક્તિ પ્રદર્શનના એક ભાગ તરીકે જોવામાં આવી રહી છે, જેને જાપાને ‘રાજદ્વારી અપમાન’ ગણાવીને વિશ્વભરના નેતાઓને તેમાં ભાગ ન લેવાની અપીલ કરી છે.
આમ છતાં, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી આ પરેડમાં ભાગ લેવા જઈ રહ્યા છે. બીજી તરફ, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ પરેડમાં ભાગ નહીં લે અને જાપાન સાથે ઊભો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનના પ્રવાસે છે, જ્યાં તેમણે જાપાનીઝ બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી અને ભારતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. જાપાને આગામી 10 વર્ષમાં ભારતમાં 68 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે, જે અગાઉના રોકાણ કરતાં બમણું છે.

ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી
ભારત અને જાપાન હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની આક્રમક નીતિઓ સામે વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવા જઈ રહ્યા છે. પૂર્વ ચીન સાગર અને દક્ષિણ ચીન સાગરમાં શાંતિ જાળવી રાખવા માટે બંને દેશો સંયુક્ત જાહેરાત કરવાના છે. આ સાથે જ, ભારત જાપાન પાસેથી સેમીકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં સહયોગની અપેક્ષા રાખે છે.
વડાપ્રધાન મોદી જાપાનથી ચીન જશે, જ્યાં તેઓ ટિઆનજિનમાં યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેશે. ત્યાં તેમની મુલાકાત રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને કદાચ શી જિનપિંગ સાથે પણ થશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લગાવી દીધો છે.

નેપાળમાં વિરોધ અને ચિંતા
નેપાળમાં ઓલીના પરેડમાં જવાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે, કારણ કે નેપાળ અને જાપાન વચ્ચે ઐતિહાસિક સંબંધો રહ્યા છે. આ પહેલા નેપાળના રાષ્ટ્રપતિ જાપાનની ભાવનાનું સન્માન કરતા ચીની આમંત્રણને ઠુકરાવી ચૂક્યા છે. આમ છતાં ઓલીનું આ પગલું નેપાળને ચીનના દેવાના જાળમાં ફસાવવાની આશંકાને બળ આપે છે.

