અમેરિકાના દબાણ સામે ભારતનું વલણ: ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિત પ્રાથમિકતા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત પર દબાણ ઉભું કરી રહ્યા છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે જ્યાંથી સસ્તું તેલ મળશે ત્યાંથી જ તેલ ખરીદશે. રશિયા તરફ ઝુકાવ બદલ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, છતાં પણ ભારત પોતાની ઊર્જા નીતિથી ટચમચાયું નથી.
મોસ્કોમાં ભારતના રાજદૂત વિનય કુમારે અમેરિકાને તિક્ષ્ણ જવાબ આપતા કહ્યું, “ભારતીય કંપનીઓ એજ સોદા કરશે જે તેમના માટે આર્થિક રીતે ફાયદાકારક હશે.” તેમના અનુસાર, ઊર્જા સુરક્ષા એ દેશની પ્રાથમિકતા છે અને કોઈ પણ દબાણમાં આવીને તેલના ખર્ચા વધારવામાં ભારત રુચિ રાખતું નથી.
ચીનને રાહત, ભારતને દબાણ?
રશિયા તરફથી ડિસ્કાઉન્ટ રેટ પર તેલ ખરીદવા બદલ જ્યાં અમેરિકા ભારતની ટીકા કરી રહ્યું છે, ત્યાં ચીન સામે કોઈ ખાસ અવાજ ઊઠાવ્યો નથી. ચીન હાલ રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર છે, છતાં ટ્રમ્પ વહીવટીતંત્ર તેની ટીકા ટાળે છે. ભારતે આ મામલે પોતાની ઊર્જા નીતિનું બચાવ કરતુ કહ્યુ છે કે તેના તમામ નિર્ણય રાષ્ટ્રીય હિત અને બજારના ગતિશીલતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.
ટ્રમ્પ પ્રશાસન ભારત સાથે એક વ્યાપારિક કરાર કરવા માગે છે જેમાં કૃષિ અને ડેરી ક્ષેત્રને ઉકેલવો છે. પરંતુ ભારત આ માટે તૈયાર નથી. ભારતે ઘણા વખતથી સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના ખેડૂતોના હિત સામે કોઈ સમાધાન કરશે નહીં.
વેપાર અને કૃષિ ક્ષેત્રે મતભેદ
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તાજેતરમાં આ મુદ્દે કડક વલણ બતાવ્યું. તેમણે કહ્યું, “અમારું ધ્યેય દેશના નાના ઉત્પાદકો અને ખેડૂતોના હિતને સુરક્ષિત રાખવાનું છે. વેપાર કરાર માટે આપણે પોતાની જાતને નબળી સ્થિતિમાં મૂકી નથી શકતા.” તેમણે અમેરિકન ટેરિફ નીતિને ખોટી ગણાવી અને જણાવ્યું કે ભારતની નીતિ સ્થાનિક હિસ્સેદારોના રક્ષણ પર આધારિત છે.
ભારતનું વલણ સ્પષ્ટ છે — તે કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને પોતાનું આર્થિક નુકસાન કરવા તૈયાર નથી. ઊર્જા સુરક્ષા દેશની લાઇનલાઈફ છે અને તેના માટે ભારતે કોઇપણ સસ્તા અને વિશ્વસનીય સ્ત્રોતમાંથી તેલ ખરીદવાની નીતિ અપનાવી છે.
આ મુદ્દે ભારતનો અભિગમ “દેશ પ્રથમ” આધારિત છે, જે તેને વૈશ્વિક મંચ પર મજબૂત અને આત્મવિશ્વાસપૂર્ણ સ્થાન આપે છે.