કાપડ, લેધર, ફૂટવેર ઉદ્યોગોની વૈશ્વિક બજારમાં નવી પહોંચ
અમદાવાદ ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં “ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કેન્દ્રિત ઓપન ફોરમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી-GCCI દ્વારા રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ વિદેશ વેપાર મહા નિર્દેશાલય સાથે સંયુક્ત રીતે આયોજિત કાર્યક્રમમાં ઐતિહાસિક મુક્ત વેપાર કરાર થકી ભારત-યુ.કે. વચ્ચે રહેલી વ્યાપાર અને રોકાણની નવી તકો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારતે વિશ્વની ચોથી મોટી શક્તિ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) થકી આગામી સમયમાં ભારત ત્રીજી સૌથી મોટી વિશ્વ શક્તિ બનવા તરફના આપણા પ્રયત્નોને વિશેષ ગતિ પ્રાપ્ત થશે. આ કરારથી રાજ્યના ઉત્પાદકો, નિકાસકર્તાઓ અને સ્ટાર્ટઅપ્સ માટે યુ.કે. જેવા વિકસિત બજારમાં પ્રવેશ સરળ બનશે, જે ગુજરાત માટે પણ એક સોનાનો અવસર બની રહેશે. આ કરાર ભારતને એક નવી અર્થતંત્રની ઊંચાઈ તરફ લઈ જશે અને “વોકલ ફોર લોકલથી ગ્લોબલ સુધી”નો હેતુ સિદ્ધ કરશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રી રાજપૂતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ફૂડપાર્ક માટેના MOU તેમજ લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકારે લીધેલા વિવિધ પગલાઓ થકી ઉદ્યોગોને થનાર ફાયદોઓ વિશે ઉપસ્થિત ઉદ્યોગકારોને માહિતગાર કર્યા હતા.
શાબ્દિક સ્વાગત કરતાં GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે કહ્યું કે, CETA એ યુ.કે. સાથે ભારતના જોડાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે આર્થિક એકીકરણને મજબૂત કરવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શ્રી એન્જિનિયરે ભારત દ્વારા યુ.કે.માં થતી ૯૯ ટકા નિકાસ માટે અભૂતપૂર્વ ડ્યુટી-મુક્ત ઍક્સેસ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કરારથી કાપડ, દરિયાઈ ઉત્પાદનો, લેધર, ફૂટવેર, રમતગમતના સામાન, રમકડાં અને રત્નો અને ઘરેણાં વગેરે વિવિધ ઉદ્યોગો માટે નિકાસની અનેકવિધ નવી તકો ઊભી થશે.
રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ જણાવ્યું હતું કે, CETA આપણા રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વની ક્ષણ તેમજ એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક કરાર છે, જે “વિકસિત ભારત@૨૦૪૭”ના વિઝન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું કે, ભારતથી યુ.કે.માં ઉત્પાદનની નિકાસ પર શૂન્ય ડ્યુટીથી ઉત્પાદનોના નિકાસને ખૂબ વેગ મળશે.
વિદેશ વેપાર મહા નિર્દેશાલયના સંયુક્ત નિયામક શ્રી રાહુલ સિંહે જણાવ્યું હતું કે, CETA થકી ૯૯ ટકા ટેરિફ લાઇનને ડ્યુટી નાબૂદ કરતાં ભારતના ઉત્પાદનોના નિકાસને મોટો વેગ પ્રાપ્ત થશે, જે અંદાજે ૧૦૦ ટકા વેપાર મૂલ્યને આવરી લે છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં યુ.કે. સાથેના ભારતના વેપાર દ્વારા નિકાસમાં એકંદરે સકારાત્મક વલણ જોવા મળ્યું છે.
ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપે ભારત માટે ડ્યુટી ફ્રી એક્સેસ ધરાવતા ઉત્પાદનોની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત ખનિજ બળતણ અને તેલ, કાગળના ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ મશીનરી, ફાર્માસ્યુટિકલ્સ, ઝવેરાત, સિરામિક્સ, ન્યુક્લિયર રિએક્ટર, બોઇલર અને મશીનરી જેવા ક્ષેત્રોમાં ઉત્પાદનોના અગ્રણી નિકાસકારોમાંનું એક રાજ્ય છે. કમિશનરશ્રીએ RMG, હોમ ટેક્સટાઇલ, કાર્પેટ અને હસ્તકલા જેવા ક્ષેત્રોની વિગતો પણ આપી હતી, જેમાં પ્રસ્તુત સમજૂતીને કારણે વિક્રમજનક વિકાસની શક્યતાઓ રહેલી છે.
આ ઓપન ફોરમ કાર્યક્રમમાં GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વ શાહ, GCCI ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના ચેરમેન શ્રી અનિલ જૈન, INDEXTBના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.સી.સંપત સહિત અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.