India-US Trade Deal: બીજી વાતચીત માટે ભારતીય ટીમ વોશિંગ્ટનમાં ફરી જશે, વિગતો જાણો
વાણિજ્ય મંત્રાલયની ભારતીય ટીમ ટૂંક સમયમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) અંગે બીજા રાઉન્ડની વાટાઘાટો માટે વોશિંગ્ટન જવાની તૈયારીમાં છે. આ બાબતની જાણ એક સરકારી અધિકારીએ ગુરુવારે આપી. મુલાકાતની ચોક્કસ તારીખ હજુ નક્કી થઈ નથી, પરંતુ અપેક્ષા છે કે ટીમ આવતા અઠવાડિયે જ વોશિંગ્ટન પહોંચી શકે.
ભારતીય ટીમના મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલની આગેવાની હેઠળ આ મહિને પહેલો રાઉન્ડ પૂરો કરીને ટીમ વોશિંગ્ટનથી પરત આવી હતી. હવે બીજી વાટાઘાટમાં કરારના વચગાળાના અને પ્રથમ તબક્કાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
રાજેશ અગ્રવાલે જણાવ્યું કે અમેરિકાએ ભારત પર લગાવેલા 26% ટેરિફ 1 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યા છે, જે માટે આ વાટાઘાટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત આ કરારના પ્રથમ તબક્કાને આ વર્ષે પાનખર (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધી પૂરો કરવાનો લક્ષ્ય ધરાવે છે.
અગ્રવાલે વધુ કહ્યું કે, ભારત હાલમાં 26 દેશો સાથે 14થી વધુ મુક્ત વેપાર કરારો (FTA) અમલમાં લાવી ચુક્યો છે. તાજેતરમાં બ્રિટન સાથે કરાર કરવામાં આવ્યો છે અને યુરોપિયન યુનિયન સાથે પણ વાટાઘાટો આગળ વધી રહ્યા છે. તે ઉપરાંત લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ન્યૂઝીલેન્ડ અને અન્ય મુખ્ય અર્થતંત્રો સાથે વેપાર સોદાઓને આગળ વધારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.