બિડેન સરકારની નવી પહેલ: ભારત સાથે ટેરિફ વિવાદ ઉકેલવા તૈયારી
ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધોને નવી દિશા આપવા માટે મંગળવારથી ટેરિફ પર મહત્વપૂર્ણ વાટાઘાટો શરૂ થવા જઈ રહી છે. આ વાટાઘાટોમાં અમેરિકા તરફથી મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિન્ચ ભાગ લેશે, જેઓ સોમવાર મોડી રાત્રે ભારત પહોંચશે. ભારત તરફથી વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ આ વાતચીતનું નેતૃત્વ કરશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ 27 ઓગસ્ટથી ભારત પર 50% ટેરિફ લાગુ કર્યો છે, જેમાંથી 25% ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવા પર લગાવવામાં આવ્યો છે.
અમેરિકાની મુખ્ય માંગણીઓ
છેલ્લા ઘણા મહિનાઓથી ભારત અને અમેરિકા એક વચગાળાના વેપાર કરાર પર વાતચીત કરી રહ્યા છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રોને તેના બજાર માટે ખુલ્લા મૂકે. વોશિંગ્ટન તરફથી મકાઈ, સોયાબીન, સફરજન, બદામ અને ઇથેનોલ જેવા ઉત્પાદનો પર ટેરિફ ઓછો કરવા અને અમેરિકન ડેરી ઉત્પાદનોને ભારતમાં સરળતાથી પહોંચની માંગ કરવામાં આવી છે.
જોકે, ભારતે આ માંગણીઓનો વિરોધ કર્યો છે. કૃષિ અને ડેરી દેશની અર્થવ્યવસ્થા અને કરોડો ખેડૂતોની આજીવિકા સાથે સીધા જોડાયેલા છે. આથી, ભારત માને છે કે આ ક્ષેત્રોમાં અમેરિકન દબાણ સ્વીકારવાથી ગ્રામીણ અર્થતંત્રને અસર થઈ શકે છે. બંને દેશોએ માર્ચ 2025 માં વાટાઘાટો શરૂ કરી હતી અને લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં કરારનો પ્રથમ તબક્કો પૂરો કરી લેવામાં આવે.
ટ્રમ્પ અને મોદીના નિવેદનો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાતચીત ચાલી રહી છે અને તેના સકારાત્મક પરિણામો આવશે. વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે ભારત-અમેરિકાના સંબંધોને “ખૂબ ખાસ સંબંધ” ગણાવ્યા. તેમણે એ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી અને તેઓ હંમેશા મિત્ર રહેશે અને પરસ્પર સમજૂતીથી બંને દેશો માટે લાભદાયી પરિણામ મળશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, “ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા માટે સતત વાતચીત ચાલી રહી છે. હું મારા મિત્ર વડાપ્રધાન મોદી સાથે જલ્દી વાત કરવા ઉત્સુક છું અને મને પૂરો વિશ્વાસ છે કે બંને દેશો માટે આ વાટાઘાટો સફળ રહેશે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેનો ઉષ્માભર્યો જવાબ આપ્યો. તેમણે લખ્યું, “ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદાર અને નજીકના મિત્રો છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓ અને અમારા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરું છું. અમારી વચ્ચે એક દૂરદર્શી અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.”