IND vs PAK: T20 વર્લ્ડ કપમાં ફરી જામશે ભારત-પાકિસ્તાનનો જંગ? જાણો શું છે સેમીફાઈનલ અને ફાઈનલના સમીકરણો
T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. ક્રિકેટ જગતની સૌથી મોટી પ્રતિદ્રંદ્વિત્તા એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મેદાન પર ટક્કર થવાની સંભાવનાઓએ ચાહકોમાં ભારે ઉત્તેજના જગાવી છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યા બાદ હવે નૉકઆઉટ સ્ટેજમાં આ બંને કટ્ટર હરીફો આમને-સામને આવી શકે છે. જોકે, આ બધું હવે પાકિસ્તાનના આજના પ્રદર્શન અને નસીબ પર ટકેલું છે.
પાકિસ્તાન માટે ‘કરો કે મરો’ની સ્થિતિ
સુપર-8 ના ગ્રુપ-2 માં પાકિસ્તાન હાલમાં અત્યંત નાજુક સ્થિતિમાં છે. આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી મેચ પાકિસ્તાન માટે સેમીફાઈનલની ટિકિટ મેળવવાનો અંતિમ રસ્તો છે.
સેમીફાઈનલનું ગણિત: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને નેટ રન રેટમાં પછાડવા માટે શ્રીલંકાને ઓછામાં ઓછા 65 રન થી હરાવવું પડશે અથવા જો તેઓ રન ચેઝ કરે તો 13 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરવો પડશે.
પોઈન્ટ ટેબલની સ્થિતિ: ન્યૂઝીલેન્ડ 3 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન પાસે અત્યારે માત્ર 1 પોઈન્ટ છે. જો પાકિસ્તાન આ અશક્ય લાગતું લક્ષ્ય હાંસલ કરે તો જ તે બીજા સ્થાને પહોંચી શકે છે.
ભારત અને પાકિસ્તાન ક્યારે ટકરાઈ શકે?
જો પાકિસ્તાન આજે ચમત્કારિક રીતે સેમીફાઈનલમાં ક્વોલિફાય થાય છે, તો ભારત સાથેની ટક્કરના બે મુખ્ય સમીકરણો બને છે:
સેમીફાઈનલમાં મુકાબલો
જો પાકિસ્તાન પોતાના ગ્રુપમાં બીજા ક્રમે રહે અને ભારતીય ટીમ પોતાના સુપર-8 ગ્રુપમાં ટોચ પર (નંબર-1) રહે, તો નિયમ મુજબ ગ્રુપ-1 ની પ્રથમ ટીમ અને ગ્રુપ-2 ની બીજી ટીમ વચ્ચે સેમીફાઈનલ રમાશે. આ સ્થિતિમાં ચાહકોને ફાઈનલ પહેલા જ હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળી શકે છે.
ફાઈનલનો મહાજંગ
જો ભારત અને પાકિસ્તાન પોતપોતાની સેમીફાઈનલ મેચો જીતી જાય, તો T20 વર્લ્ડ કપ 2026 ના ફાઈનલમાં ‘મધર ઓફ ઓલ બેટલ્સ’ જોવા મળશે. આ એક એવું દ્રશ્ય હશે જેની પ્રતીક્ષા સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે.
ગ્રુપ સ્ટેજમાં ભારતનો રહ્યો હતો દબદબો
ઉલ્લેખનીય છે કે આ જ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં જ્યારે બંને ટીમો ટકરાઈ હતી, ત્યારે ભારતે પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં ધૂળ ચટાડી હતી. ઈશાન કિશનના વિસ્ફોટક પ્રદર્શનની મદદથી ભારતે પાકિસ્તાનને 61 રનથી માત આપી હતી. પાકિસ્તાની બેટ્સમેનો ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શક્યા નહોતા.

