ફિલ્મ જગતના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બીજીવાર કોરોનાગ્રસ્ત થતા હાલ તેઓ ઘરે જ આઇસોલેટ થયા છે જેઓ સો.મીડિયામાં ઘણા જ એક્ટિવ હોય ચાહકોને પોતાનું હેલ્થ અપડેટ આપતા રહે છે.
અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ ખરેખર આત્મ નિર્ભર બની ગયા છે.
અમિતાભે બ્લોગમાં જણાવ્યું કે નવા સ્ટાફને બધું સમજાવવામાં ઘણી મુશ્કેલી આવી રહી હોવાથી તેઓ પોતાના કામ જાતેજ કરી રહયા છે. બિગ બીએ કહ્યું હતું, ‘કોવિડ હોવાને કારણે હું મારા કામ જાતે કરી રહ્યો છું. કપડાં ધોવું છું, ફ્લોર ક્લીન કરું છું, ત્યાં સુધી કે ટોયલેટ પણ જાતે જ સાફ કરું છું.’
વધુમાં અમિતાભે કહ્યું હતું, ‘જેટલી પણ સ્વિચ છે, જાતે જ ઑન-ઑફ કરું છું. ચા-કૉફી જાતે બનાવું છું. આ તમામ કામોની વચ્ચે તે તમામ લોકો ફોન કૉલ પર જોડાયેલા છે. આ ઉપરાંત લેટર પણ જાતે જ ડ્રાફ્ટ કરું છું.’ બિગ બીની પાસે હાલમાં કોઈ નર્સ નથી અને તે તમામ દવાઓ પણ જાતે યાદ કરીને લઈ રહ્યા છે.
બિગ બીએ આગળ કહ્યું હતું કે આ કામ કરવામાં ઘણી જ મજા આવે છે. તેઓ આત્મનિર્ભર બનીને તમામ કામો કરી રહ્યા છે. હવે તે કોઈ પણ કામ માટે કોઈ કર્મચારી પર નિર્ભર નથી. આ દરમિયાન બિગ બીને એ વાતનો પણ અહેસાસ થયો કે તેમના વર્કર આખો દિવસ કેટલું કામ કરે છે અને આ માટે તેઓ સન્માનને પાત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને વર્ષ 2020માં પણ કોરોના થયો હતો અને તેઓને તે વખતે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ 2022માં ફરી કોરોનામાં સપડાયા છે અને ઘરેજ આઇસોલેટ થઈ સારવાર લઈ રહયા છે.