ગાંધીનગર તા.9 : મહિલા દિન નિમિત્તે વિધાનસભા ગૃહમાં લાગણી વ્યક્ત કરતા વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા એ તેમના ગૂઢાર્થ સાથેની ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહિલા દિને દિલથી રિગાર્ડ થાય એવું કરવું જોઇએ અને સૌથી વધારે તો કમસેકમ પ્રચારકોને પરણાવો ને તોય મહિલા સન્માન આપણું સારી રીતે કહેવાશે, જેથી જનરેશન આગળ ચાલે.મહિલા દિને લાગણી વ્યક્ત કરતા વાઘેલાએ કહ્યુું હતું કે વિજયભાઇ, આપની જગ્યાએ આનંદીબેન હોત તો પણ અમને લાગણી થાત. આપણા બંધારણમાં લેટર ઇન એ સ્પીરિટ એ બે શબ્દો છે અને તેનો અર્થએ છે કે કહેવું અને સમજવું તેમાં બહુ મોટો ફરક છે.
તેમણે અધ્યક્ષ નિમાબેનને પણ ટકોર કરતા કહ્યું કે આપ તો પ્રોટેમ સ્પીકર હતા, નહિ તો સ્પીકર હોત તો સાચા અર્થમાં મહિલા દિન કહેવાત. મહિલા અનામત પચાસ ટકા આપી છે તે બરાબર છે, અનામતની વ્યવસ્થા કરવી પડે તે યોગ્ય નથી, દિલથી, અંદરથી મહિલાઓ માટે સન્માનની લાગણી હોવી જોઇએ તેમ વાઘેલાએ અંતમાં કહ્યું હતું.
મહિલા દિને ગૃહમાં અધ્યક્ષ તરીકે ભાજપના કચ્છના ધારાસભ્ય નિમાબેન આચાર્ય અને અધિકારીઓ તેમજ સાર્જન્ટ તરીકે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કહ્યું હતું કે ફિમેલ શબ્દ લઇ તો તેમાં મેલ અને વુમન શબ્દમાં પણ મેન પાછળ જ હોય છે. તેમણે મહિલાઓ માટે અનામત આપવી પડે તેને બદલે મહિલાઓ કતૃત્વ, નેતૃત્વ, માતૃત્વથી સ્થાન મેળવે તેવું વાતાવરણ સર્જાય તે આવશ્યક છે એમ કહ્યું હતું.