ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ઇસરો આજે પીએસએલવી-સી50 મારફતે સંચાર ઉપગ્રહ સીએમએસ-01નું પ્રક્ષેપણ કરશે. કોરોના કાળમાં આ વર્ષે ઇસરોનું આ બીજું મિશન છે. સતીશ ધવન પેશ સેન્ટરનું 25 કલાકનું કાઉન્ટડાઉન બુધવારે બપોરે શરૂ થયું હતું.
જણાવી દઈએ કે આ પીએસએલવીનું 52 મિશન હશે. સંચાર ઉપગ્રહ સીએમએસ-01ને બપોરે 3.41 વાગ્યે શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવશે. સીએમએસ-01 ઇસરોનો 42 સંચાર ઉપગ્રહ છે. તે દેશની મુખ્ય ભૂમિ તેમજ આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓને વિસ્તૃત સી-બેન્ડ સેવાઓ પ્રદાન કરશે. આ અગાઉ 7 નવેમ્બરે ગ્રાઉન્ડ સર્વેલન્સ સેટેલાઇટને પીએસએલવી-સી 49 મારફતે છોડવામાં આવ્યો હતો.
સીએમએસ-01 ઉપગ્રહ દૂરસંચાર સેવાઓમાં સુધારો કરશે. તેનાથી સરકારને ટીવી ચેનલોની પિક્ચર ક્વોલિટી સુધારવામાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દરમિયાન સરકારને મદદ મળશે. આ ઉપગ્રહ 2011માં લોન્ચ થયેલા જીસેટ-2 દૂરસંચાર ઉપગ્રહનું સ્થાન લેશે. સીએમએસ-01 આગામી સાત વર્ષ માટે સેવાઓ પૂરી પાડશે.