ઈન્કમટેક્સ વિભાગે ગુરુવારે મુંબઈમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણાના પરિસરમાં દરોડા પાડ્યા હતા. તેમના અને અન્ય સહયોગીઓ દ્વારા કરચોરીની તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચિત્રા રામકૃષ્ણ તાજેતરમાં સેબીના આદેશથી ચર્ચામાં આવ્યા હતા. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ચિત્રાએ હિમાલયમાં રહેતા ‘અજાણ્યા યોગી’ના કહેવા પર આનંદ સુબ્રમણ્યમને ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.
આવકવેરા અધિકારીઓએ જણાવ્યું હતું કે રામકૃષ્ણ અને અન્યો સામે દરોડા કરચોરી અને નાણાકીય ગોટાળાના આરોપોને પગલે પાડવામાં આવ્યા હતા. ચિત્રાને એપ્રિલ 2013માં NSEના MD અને CEO બનાવવામાં આવ્યા હતા. તેણીએ ડિસેમ્બર 2016 સુધી આ પદ સંભાળ્યું હતું. મળતી માહિતી મુજબ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમના સ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
સેબીના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રામકૃષ્ણએ ‘યોગી’ સાથે NSEની નાણાકીય અને વ્યવસાયિક યોજનાઓ, ડિવિડન્ડ આઉટલૂક અને નાણાકીય પરિણામો સહિતની કેટલીક આંતરિક ગુપ્ત માહિતી પણ શેર કરી હતી. જેના કારણે તેમને ગેરકાયદેસર આર્થિક લાભ આપવામાં આવતો હતો. સેબીએ રામકૃષ્ણ પર 3 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. આનંદ સુબ્રમણ્યમની નિમણૂકના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. એક્સચેન્જના કર્મચારીઓના પ્રદર્શન મૂલ્યાંકન પર ‘યોગી’ ની સલાહ લીધી.
તાજેતરમાં જ સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સેબીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એનએસઈમાં આનંદ સુબ્રમણ્યમની નિમણૂક ‘યોગી’ના કહેવા પર કરવામાં આવી હતી. જ્યારે, સુબ્રમણ્યમને મૂડીબજારનો કોઈ અનુભવ નહોતો. આટલું જ નહીં, તેમનો વાર્ષિક પગાર અને ભથ્થાંનું 15 લાખનું પેકેજ વધારીને 4 કરોડથી વધુ કરવામાં આવ્યું હતું.
સેબીના આ ખુલાસા પછી, દરેક વ્યક્તિ તે ‘આધ્યાત્મિક શક્તિ’ યોગી વિશે જાણવા માંગે છે. સેબીનું કહેવું છે કે આ એ જ આધ્યાત્મિક શક્તિ છે, જેના ઈશારે NSEના ભૂતપૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણ દરેક નિર્ણય લેતા હતા. આ આધ્યાત્મિક શક્તિ પહેલા ક્યારેય જોવા મળી નથી.
સેબીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, NSEના ભૂતપૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણએ NSE સંબંધિત નિર્ણયો એવા યોગીના કહેવા પર લીધા હતા, જે ક્યારેય જોવામાં પણ નહોતા આવ્યા. ચિત્રા રામકૃષ્ણ હિમાલયમાં રહેતા યોગીથી પ્રભાવિત હતા. NSE દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. જેમાં રોજના 49 કરોડ ટ્રાન્ઝેક્શન થાય છે. NSEનું એક દિવસનું ટર્નઓવર 64 હજાર કરોડનું છે.