શ્રીનગર: કાશ્મીરમાં છેલ્લા ચાર વર્ષથી આતંકવાદ અને ઐયાશીનો વિકલ્પ બની ગયેલા લશ્કરે તૈયબા (એલઇટી)ના કમાન્ડર અબુ દુજાના ઉર્ફે હાફીઝનું ભારતના સુરક્ષા દળોએ મંગળવારે ઢીમ ઢાળ્યું હતું.
હિઝબુલ મુજાહિદીનના કમાન્ડર બુરહાન વાનીનું ૨૦૧૬ની જુલાઇમાં ઢીમ ઢાળ્યા બાદ દુજાનાનો ખાતમો કરવાની ઘટના મોટી ઉપલબ્ધી છે. દુજાનાના સમર્થનમાં કાશ્મીરીઓએ નારેબાજી કરી છે અને પથ્થરમારો કર્યો છે. સુરક્ષા દળોએ ઇન્ટરનેટ, ફોન સેવા, રેલવે સેવા બંધ કરીને કેટલાક વિસ્તારોમાં અઘોષિત સંચારબંધી લાદી છે.
યુવાન દુજાના સાત વખત સુરક્ષાદળોને થાપ દઈને નાસી છૂટવામાં સફળ નીવડ્યો હતો. ખૂંખાર આતંકવાદી સંગઠન લશ્કરનો કમાન્ડર અબુ દુજાના સુરક્ષા દળોની ગોળીથી વીંધાતા પણ કેટલી વાર આબાદ બચી ગયો હતો. પરંતુ મંગળવારે તેને નસીબે યારી આપી ન હતી.
અગાઉના એનકાઉન્ટર વેળાએ તે ઘટનાસ્થળે આઇફોન ભૂલીને જીવ બચાવીને નાઠો હતો. ટેક્નોલોજીમાં નિપુણ દુજાનાના ફોન દ્વારા જ તેની સુરક્ષા દળોને તેની હિલચાલની ભાળ મળતી હતી. સૈન્ય, પોલીસ તેમ જ અન્ય સુરક્ષા દળોએ આદરેલી સંયુક્ત કામગીરીમાં તેનો ઘડોલાડવો થઈ ગયો હતો. ગુપ્ત જાણકારી અનુસાર દુજાના પત્નીને મળવા ગામ આવ્યો હતો. ઐય્યાશ અને ટેક્નોસેવી દુજાના આ વિસ્તારની યુવતીઓ માટે પણ ભારે ખતરનાક બની ગયો હતો.
મંગળવારે સવારે તેને જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના હક્ડીપોરા ગામમાં ઘેરો ઘાલવામાં આવ્યો હતો. તે પત્નીને મળવા અવારનવાર આવી ચડતો અને સુરક્ષા દળને હાથતાળી આપીને નાસી જવામાં સફળ નીવડતો હતો. તેના વિસ્તારમાં બારીકાઈથી નજર રાખવામાં આવતી હતી. આ વખતે તેના આગમનની બાતમી મળતાં જ પોલીસ અને સુરક્ષા દળના જવાનોને સાદા વસ્ત્રોમાં ત્યાં તહેનાત કરી દેવાયા હતા. બે કલાક બાદ ઘટનાસ્થળે વધારાના દળ મોકલ્યા હતા.
ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ તથા સ્પેશ્યલ ઓપરેશન જૂથના નેજાં હેઠળ સમગ્ર વિસ્તારને ઘેરો ઘાલીને શોધ કામગીરી આદરી હતી. પોલીસને સૈન્યની ૧૮૨ બટાલિયન, ૧૮૩ બટાલિયન, ૫૫ રાષ્ટ્રીય રાઈફલ્સ તેમ જ કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)નો સહયોગ સાંપડ્યો હતો. મંગળવારે પરોઢે ૪-૩૦ વાગ્યે આદરેલા ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે બે ત્રાસવાદી એક ઘરમાં સંતાયા છે. આ જોખમી કામગીરીમાં તેમને બહાર કાઢવાના જોરદાર પ્રયાસો કરાયા હતા પણ તેઓ ટસના મસ ન થતા તે ઈમારતને ફૂંકી મારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. બંનેના મૃતદેહ મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે પણ દુજાના મૃત્યુ પામ્યો હોવાનો વાત પર મંજૂરીનું મત્તું માર્યું હતું.
જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી મુનીર અહેમદ ખાને કહ્યું હતું કે સુરક્ષાદળ આતંકવાદ વિરોધી અભિયાનમાં લાગ્યું છે. તે વેળાએ ૧૦૦ કરતાં વધારે પ્રદર્શનકારોએ તેના પર પથરા ફેંક્યા હતા. દુજાના અને તેનો સ્થાનિક સહયોગી આરીફ લીલહારી પુલવામાસ્થિત હકરીપુરા વિસ્તારમાં સંતાયો હોવાની બાતમી મળી હતી.
સવારે ઝપાઝપી આરંભી ત્યારે એકવાર તો એમ લાગ્યું કે જેની ઘેરાબંધી કરાઈ છે, તે અબુ દુજાના છે કે અન્ય કોઈ? અમે સતર્ક હતા અને વ્યૂહ ઘડતા રહ્યા હતા. સવારે આઠ વાગ્યા સુધી ત્યાં પથરમારો ન થતાં અમને ખાતરી થઈ કે તે અબુ દુજાના છે. ત્યાંના લોકો દુજાના પ્રતિ ભારોભાર માન અને સહાનુભૂતી દર્શાવે છે. તેણે ભારતીય સુરક્ષા દળોની શરણાગતિ સ્વીકારવાનો ચોખ્ખો નનૈયો ભણી દેતા અમે તેને ઘરને બાળી મૂક્યું હતું. તે અને તેનો સાથીદાર કાટમાળ હેઠળ દબાઈને મરણ પામ્યા હતા. તેમની લાશ થોડી બળી ગઈ હતી.
ગિલ્ગીટ-બાલ્ટીસ્તાનનો રહીશ અબુ દૂજાના ઉર્ફે હાફીઝે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ૨૦૧૫માં બીએસએફના કાફલા પર હુમલાના કાવતરામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
૧૯મી જુલાઈએ દુજાના સુરક્ષા દળોની જાળમાંથી આબાદ નાસી ગયો હતો. તેને માથે ૧૫ લાખ રૂપિયાનું ઈનામ હતું.